સોશિયલ મિડિયામાં વાઇરલ થયેલા સાંસદ મનસુખ વસાવાના વિડિયો મુદ્દે તેમણે ગુસ્સામાં કંઇ બોલાયુ હોય તો દિલગીર છું કહી ફેઇસબુક પર દિલગીરી વ્યક્ત કરી જણાવ્યું કે નારેશ્વર પાસેની ઘટનાથી હું ઘણો દુઃખી હતો જેમાં એક બાળક સહિત ત્રણ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ પહેલા પણ ભુ-માફિયાઓ દ્વારા નદી અને ભાઠ્ઠામાં ઊંડા ખાડા પાડવાથી નર્મદા સ્નાન માટે આવેલા અમદાવાદના ૮ થી ૯ લોકો મૃત્યુ પામ્યા હતા, ભાલોદ પાસે કપડાં ધોવા ગયેલી ત્રણ દીકરીઓ એક સાથે ડૂબી ગઈ હતી, ગતવર્ષે ૨ આદિવાસીઓ પણ પાણીમાં ગરકાવ કરી ગયા હતા અને રોડ અકસ્માતમાં વર્ષમાં ૬ થી ૮ ઘટનાઓ બનતી રહેતી હોય છે તદ્ઉપરાંત પાણી ટપકતા ડમ્પરથી રસ્તાઓને પણ નુકસાન થાય છે અને બેફામ ચાલતા હોવાથી બીજા રાહદારીઓ પણ ભયભીત હોય છે. વહીવટીતંત્રની ઘોર બેદરકારીના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી રહેતી હોય છે.
આ બધી ઘટનાઓ બાદ લોકો ખૂબ રોષે ભરાયા હતા અને આટલી મોટી ઘટના છતાં જિલ્લા ખાણ – ખનિજ અધિકારી સ્થળ પર આવવાના બદલે નવસારી ચાર્જની ડ્યુટી કરવા ગયા હતા. નારેશ્વર ભાઠ્ઠામાં અને રોડ પર ૫૦ થી ૬૦ ડમ્પર પાણીથી ટપકતી રેતી ભરી ઊભા હતા તેની સામે કાર્યવાહી કરવા માટે મેં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું અને મૃત્યુ થયા હતા એ સ્થાને ફૂલહાર મૂકતો હતો ત્યારે અધિકારીઓ એકબીજા સામે જોઈ હસતા હતા. આટલી મોટી ઘટના બાદ પણ અધિકારીઓ ગંભીર ના જણાતા ઉપસ્થિત બધા અધિકારીઓને ભારપૂર્વક જે કહેવાનું હતું એ કીધું અને જ્યારે હું ગુસ્સે ભરાયો ત્યારે રેત માફિયાઓ વિડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા અને ચોક્કસ વાતનો વિડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે.
ત્યાં મેં બધા અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોને પણ એકબીજાની મિલીભગત હોવાનું જણાવ્યું હતું અને આજે પણ સ્પષ્ટપણે માનું છું કે આ કાર્ય રાજકીય આગેવાનોના પીઠબળથી થઈ રહ્યું છે. મેં ફકત અધિકારીઓનો નહિ પણ સ્થાનિક નેતાઓની સંડોવણીનો પણ ઉલ્લેખ કર્યો છે અને આ કોઈ મારો વ્યક્તિગત પ્રશ્ન નથી પ્રજા સાથે જોડાયેલ પ્રશ્ન છે જેના કારણે નાગરિકો હેરાન થઈ રહ્યા છે. અધિકારીઓ ગંભીર ના હોવાથી સ્વાભાવિકપણે મારે ઊંચા અવાજ થી બોલવું પડ્યું છે અને જેનો કેટલાક લોકો દ્વારા જે વિડિયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે જેમાં ગુસ્સામાં કંઈ બોલાયું હોય તો દિલગીરી વ્યકત કરું છું અને આ જનહિતના કાર્યમાં સૌ સમર્થન કરે એવી આશા રાખું છું.
વંદે માતરમ્…
મનસુખભાઈ વસાવા,સંસદ સભ્ય, ભરૂચ લોકસભા