જંબુસર નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા આઠ દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. આ હડતાળને પગલે સફાઈ કામગીરીને લઈને ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે વેપારી મહામંડળના પ્રમુખ સંતુભાઈ ચોકસી અને ભાજપના આગેવાન ચંદ્રકાંત પટેલે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ સાથે ચર્ચા કરી તેમની માંગણીઓ અંગે સમાધાન લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આ સમગ્ર મામલે સંતુભાઈ ચોકસી અને ચંદ્રકાંત પટેલે જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી સાથે પણ વાતચીત કરી હતી. કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ આજરોજ તેમની માંગણીઓ સંતોષવામાં આવતાં હડતાળનો સુખદ અંત આવ્યો હતો.
જોકે, બાકી રહી ગયેલી માંગણીઓ અંગે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આ ખાતરી બાદ સફાઈ કામદારો સહમત થતાં છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલી હડતાળનો અંત આવ્યો હતો.
હડતાળ સમાપ્ત થતાં ધારાસભ્ય ડી. કે. સ્વામીના હસ્તે સફાઈ કામદારોને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ કર્મચારીઓની માંગણીઓ અંગે થયેલી ચર્ચા અને સમાધાનના પ્રયાસો બાદ જંબુસરમાં સફાઈ કામગીરી ફરી શરૂ થવાની આશા જાગી છે.





