આદિવાસી સમાજના જળ, જંગલ, જમીન, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે દક્ષિણ ગુજરાત સહિતના આદિવાસી વિસ્તારોમાં ચાલી રહેલા જનઆંદોલનોને વધુ મજબૂત બનાવવા આગામી 31 ઓક્ટોબરના રોજ ‘ચાલો કેવડિયા’નું આહ્વાન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજના આગેવાન અખિલ ચૌધરી (આદિવાસી કર્મશીલ) અને અન્ય આગેવાનોએ સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોના પડતર પ્રશ્નોને વાચા આપવા અને સરકાર સમક્ષ ન્યાયની માંગ રજૂ કરવા સમાજના લોકોને એકજૂથ થવા અપીલ કરી છે.

આદિવાસી સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટો અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે આદિવાસીઓના જમીન, પરંપરાગત હકો અને અસ્તિત્વ સાથે જોડાયેલા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હાઇવે નંબર 56, જીઆઈડીસી પ્રોજેક્ટો, એનટીપીસી સંબંધિત પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ તથા સોલાર પ્રોજેક્ટ સહિતના મુદ્દાઓને લઈને આદિવાસી વિસ્તારોમાં અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આદિવાસી આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે બંધારણીય જોગવાઈઓ અને આદિવાસી વિસ્તારોમાં લાગુ પડતા કાયદાકીય રક્ષણ છતાં કેટલીક યોજનાઓમાં ગ્રામસભાની મંજૂરી અને કાયદાકીય પ્રક્રિયાઓના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આદિવાસીઓની જમીન સંબંધિત નિર્ણયો લેતી વખતે ગ્રામસભાના અધિકારોનું સન્માન કરવામાં આવે અને કાયદાની જોગવાઈઓનું યોગ્ય પાલન થાય તેવી માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત, વન અધિકાર અધિનિયમ, 2006 હેઠળ પેન્ડિંગ રહેલા દાવાઓ અને જંગલ જમીન પર પરંપરાગત રીતે આધારિત પરિવારોના અધિકારોનો મુદ્દો પણ આંદોલનના કેન્દ્રમાં છે. આગેવાનોનો આક્ષેપ છે કે જંગલ જમીન પરના અધિકારો અંગેના દાવાઓનો યોગ્ય નિકાલ થયા વિના જ કેટલાક આદિવાસી પરિવારોને જમીન માંથી દૂર કરવાની કાર્યવાહી થતી હોવાના પ્રશ્નો સામે આવી રહ્યા છે. આ તમામ મુદ્દાઓની કાયદેસર તપાસ કરીને પાત્ર લાભાર્થીઓને ન્યાય આપવાની માંગ ઉઠાવવામાં આવી છે.

આદિવાસી સમાજના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા અને જળ, જંગલ, જમીન તથા સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરવા માટે એક મજબૂત સામૂહિક અવાજ ઊભો કરવાની જરૂરિયાત પર આગેવાનોએ ભાર મૂક્યો છે.

‘ચાલો કેવડિયા’ના આહ્વાનનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના વિવિધ આંદોલનોને એક મંચ પર લાવી તેમના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવાનો અને કાયદેસરના અધિકારો માટે લોકશાહી ઢબે રજૂઆતને વેગ આપવાનો હોવાનું જણાવાયું છે.

આદિવાસી સમાજના આગેવાનોએ જળ, જંગલ, જમીન, સંસ્કૃતિ અને અધિકારોના રક્ષણ માટે ચિંતિત તમામ લોકોને 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે યોજાનારી પહેલને સમર્થન આપવા અપીલ કરી છે. આદિવાસી સમાજના હિત સાથે જોડાયેલા તમામ પડતર પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ આવે અને ગ્રામસભા સહિતની કાયદાકીય જોગવાઈઓનું પાલન થાય તે માટે સમાજની એકતા અને સંગઠિત અવાજ જરૂરી હોવાનું આગેવાનોએ જણાવ્યું છે.

હવે 31 ઓક્ટોબરના ‘ચાલો કેવડિયા’ના આહ્વાનને આદિવાસી સમાજમાંથી કેવો પ્રતિસાદ મળે છે અને પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ થનારી રજૂઆત બાદ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here