હાંસોટ તાલુકાના ગ્રામ્ય અને સીમ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોનો આતંક અસાધારણ રીતે વધી ગયો છે. રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરો અવારનવાર ખેતરોને નિશાન બનાવી રહ્યા છે, જેને પગલે સ્થાનિક જગતના તાતમાં ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. વારંવાર બનતી ચોરીની ઘટનાઓથી કંટાળેલા ખેડૂતો હવે તંત્ર સામે સીધો સવાલ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, તસ્કરો સીમ વિસ્તારમાં આવેલા ખેતરોમાંથી વીજ કંપનીના ટ્રાન્સફોર્મર (ડીપી) તોડી તેમાંથી કિંમતી તાંબાના વાયર અને ઓઈલની ચોરી કરી રહ્યા છે. આ ઉપરાંત, ખેડૂતોએ સિંચાઈ માટે કૂવા કે બોર પર ગોઠવેલી પાણીની મોટરો, સ્ટાર્ટર અને કિંમતી કેબલ વાયરો પણ રાતોરાત ગાયબ થઈ રહ્યા છે. તસ્કરોની આ બેફામ પ્રવૃત્તિને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
એક તરફ મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીના કારણે ખેતી ખર્ચાળ બની છે, ત્યારે બીજી તરફ આવી ચોરીઓ ખેડૂતોની કમર તોડી રહી છે. ચોરીના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જતાં પાકને સમયસર પાણી મળતું નથી, જેના લીધે ઊભો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. નવું ટ્રાન્સફોર્મર કે મોટર લાવવામાં થતો વિલંબ ખેડૂતોની મુશ્કેલીઓમાં બમણો વધારો કરે છે.
વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ચોરીનો સિલસિલો ન અટકતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિક આગેવાનો અને ખેડૂતોએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર દ્વારા સીમ વિસ્તારોમાં યોગ્ય પેટ્રોલિંગ કરવામાં આવતું નથી, જેના કારણે ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું છે. ખેડૂતોએ માંગ કરી છે કે:
• રાત્રિના સમયે ગ્રામ્ય અને સીમ વિસ્તારોમાં પોલીસનું નાઈટ પેટ્રોલિંગ તાકીદે વધારવામાં આવે.
• શંકાસ્પદ હિલચાલ કરતા લોકો અને ભંગારના વેપારીઓની કડક પૂછપરછ થાય.
• અગાઉ થયેલી ચોરીના ગુનાઓનો ઝડપી ઉકેલ લાવી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.
જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ઘોર નિદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગે છે અને ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે.





