ભરૂચ નગરપાલિકાનાં સુચિત વેરા વધારા સામે ભરૂચની જનતાએ વ્યાપક રીતે નારાજગી દર્શાવી છે. લોકો તરફથી મળેલી અંદાજિત ૩૦૦૦ વાંધા અરજીઓ તેનો જીવતો પુરાવો છે. જેમાં જનહિતાર્થે વિપક્ષે માત્ર ભરૂચની જનતાનો અવાજ બનીને પાલિકા સામે જરૂર જણાય આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
વિપક્ષના કહેવા મુજબ તેમને વિપક્ષ તરીકે જોવાના બદલે ભરૂચની જનતાના પ્રતિનિધી તરીકે જોઈ કોઈપણ જાતનો રાજકીય દ્રેશભાવ, નફા-નુકસાન જોયા વગર માત્ર પ્રજાના હિતમાં નિર્ણય લેવા પાલિકા સત્તાધિશોને આવેદન પત્ર પાઠવ્યું હતું.
વધુમાં વિપક્ષે કરેલ રજૂઆતમાં છેલ્લા એક મહિના દરમિયાન ભરૂચ શહેરનાં અંદાજિત ત્રણ હજાર નાગરિકોએ વાંધો રજુ કર્યો છે જેમાં ઘણી બધી સોસાયટીઓની સંયુક્ત વાંધા અરજી તેમજ માર્કેટ એસોસિયેશન, શોપિંગ સેન્ટરના દુકાનદારોની પણ વાંધા અરજી આવેલ છે. ત્રણ હજાર જેટલાં પરિવારનાં આશરે ૧૫,૦૦૦ લોકોને નગરપાલિકાનાં સુચિત વેરા સામે વાંધો હોય ત્યારે નગરપાલિકાનાં સત્તાધીશોએ આ વેરાવધારાનો નિર્ણય માંડી વાળવો જોઈએ જો આ વાંધાઅરજીને પણ ગણકારવામાં ન આવે તો તે સત્તાધીશોના અહંકાર સીવાય કંઈ નહીં હોય.
આજ રોજ નગરપાલિકા વિપક્ષ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને મળી પ્રજાએ સૂચિત વેરા વધારાના વિરોધમાં કરેલ સહી ઝુંબેશનું બેનર પાલિકા તંત્ર સમર્પિત કરી વેરો વધારો નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરી છે.સાથે જો નગરપાલિકા લોકોના પ્રશ્નો, વ્યથાને ધ્યાનમાં રાખી પ્રજાહિતમાં સૂચિત વેરો વધારો રદ કરવામાં નહિ આવે તો વિપક્ષ ઉગ્ર આંદોલન કરશેનીચિમકી પણ ઉચ્ચારી હતી.