ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિયેશન અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝૈનુલ સૈયદે આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશે બહેનોને માહિતગાર કરી આ વર્ષની થીમ ડિજિટ-ઓલ : ઈનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઈકવાલીટી ઉપર માહિતી આપી હતી. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા થઈ રહેલ કાર્યોની વિગતો રજુ કરી હતી. મહાનુભાવોના સ્વાગત અને દિપ પ્રાગટય પછી કાર્યક્રમ આગળ ધપાવતા બીડીએમએના સી.ઇ.ઓ. જયેશભાઇ ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચન કરતાં બીડીએમએ વુમન ફોરમ દ્વારા ચાલતી પ્રવૃતિઓની માહિતી આપી મહિલા સશક્તિકરણ અંગે વિગતો જણાવી હતી.
જેએસએસ અને બીડીએમએ તરફથી પાંચ પ્રશિક્ષકોને કૌશલચાર્ય એવોર્ડ અર્પણ કરાયા તથા ત્રણ સભ્યોને વિશેષ પ્રશસ્તી પત્ર અને ટ્રોફી અર્પણ કરાયા. આ કાર્યકમમાં જેએસએસ તરફથી ભરૂચના ફેશન આઈકોન અને બિઝનેસ એન્ટરપ્રિનીયોર કું. હિમાની ઝામબ્રેનું ટ્રોફી અને પ્રશસ્તી પત્રથી સન્માન કરાયું. રિસોર્સ પર્સન બહેનોને કૌશલાચાર્ય એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા જેમાં શ્રીમતી આશાબેન ચૌહાણ, શ્રીમતી વિભાબેન લાડોલા, શ્રીમતી મનીષાબેન પટેલ, શ્રીમતી પ્રિયંકાબેન પ્રજાપતિ, શ્રીમતી નયનાબેન પટેલનો સમાવેશ થાય છે.જ્યારે જેએસએસ તરફથી કામગીરી કરતા ટીમના સભ્યો શ્રીમતી ક્રીષ્નાબેન કઠોલીયા, શ્રીમતી જેતલબેન દેસાઈ, શ્રીમતી હેતલબેન પટેલનાઓને તેમના દ્વારા થયેલ સંતોષકારક સેવા કાર્યોની નોંધ લઈ પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરાયા. આ સાથે જેએસએસ દ્વારા સ્કિલ પ્રોગ્રામ હેઠળ જુદા-જુદા કોર્ષીસમાં સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પણ મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરાયા.
ચાલુ માસમાં વિદાય લેતા સંસ્થાના રિસોર્સ પર્સન ગીતાબેન સોલંકીને તેમની કામગીરીની નોંધ લઈ સાલ ઓઢાવી સન્માન કરાયું અને છેલ્લા 22 વર્ષથી સ્કિલ તાલીમ માટે તેમની સેવાઓ અંગે આભાર વ્યકત કરાયો.અતિથીવિશેષ પદેથી મુખ્ય વકતા તરીકે વડોદરાથી પધારેલ જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને ઈન્ડિયન મેનોપોઝ સોસાયટીના નેશનલ ચેરપર્સન ડો. બિનલબેન શાહ દ્વારા મહિલાઓને સ્વાસ્થ્ય અંગે રસપ્રદ માહીતી પૂરી પડાઈ હતી.પ્રમુખ સ્થાનેથી પોતાનું વક્તવ્ય આપતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે બંન્ને સંસ્થા દ્વારા આ શિસ્તબધ્ધ કાર્યક્રમ આયોજીત કરાયો છે જે અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ છે અને મહિલાઓના ઉત્કર્ષમાં કાર્યરત બંન્ને સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી. તેમજ કૌશલ્ય તાલીમ પ્રાપ્ત કરેલ બહેનોને તથા સન્માનીત થયેલ બહેનોને આશીર્વાદ સહિત શુભકામનાઓ પાઠવી હતી.