દિવાળીના તહેવારો, ખરાબ રસ્તા, વાહનોના ધુમાડા, ફટાકડા અને ઉદ્યોગોના લીધે અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા અત્યંત કથળી હતી. જીપીસીબી અને સીપીસીબીએ હવાની ગુણવત્તા જાણવા મુકેલા પોઈન્ટ ઉપર અંકલેશ્વરનો એર ક્વોલિટી ઇન્ડેકસ રાજ્યમાંથી સૌથી વધુ 292 એ પહોંચી ગયો હતો.ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં હવા પ્રદૂષણે માઝા મૂકી હતી. રાજ્યની 6 ઔદ્યોગિક વસાહતોમાં અંકલેશ્વરની હવાની ગુણવત્તા સૌથી વધુ બગડી હતી.
પ્રદુષણ નિયંત્રણ બોર્ડના 6 ઔદ્યોગિક વિસ્તારોમાં 16 સ્થળે હવાની નોંધાયેલી ગુણવત્તા પૈકી અંકલેશ્વરમાં સૌથી ઊંચું હવા પ્રદૂષણ રહ્યા બાદ અમદાવાદ 256 AQI સાથે બીજા સ્થાને, વાપી 207 સાથે ત્રીજા સ્થાને, ગાંધીનગર 177 સાથે ચોથા સ્થાને અને વટવા 171 AQI સાથે પાંચમા ક્રમે રહ્યું હતું. જ્યારે નંદેસરીમાં 73 AQI સાથે હવા પ્રદુષણનું પ્રમાણ નોંધાયું ન હતું.





