નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મેડિયાસાગ ગામ પાસે અમદાવાદથી મહારાષ્ટ્રના નાગપુર તરફ જઈ રહેલા મંડપના સામાનથી ભરેલા આઇશર ટેમ્પોમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે આશરે એક વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં ટેમ્પામાં ભરેલો મંડપનો તમામ સામાન અને આખું વાહન આગની લપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગયું હતું.
મળતી માહિતી મુજબ, MH40CM 5779 નંબરના આઇશર ટેમ્પામાં અચાનક આગ ભભૂકી ઊઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, આગ લાગતાં જ ચાલકે સમયસૂચકતા અને હિંમત દાખવી હતી. રસ્તા પરથી પસાર થતાં અન્ય વાહનો અને રાહદારીઓને કોઈ નુકસાન ન થાય તે હેતુથી સળગતા ટેમ્પાને રસ્તાની બાજુમાં આવેલા ખુલ્લા ખેતરમાં ઉતારી દીધો હતો. ત્યારબાદ ચાલકે સુરક્ષિત સ્થળે પહોંચી પોતાનો જીવ બચાવ્યો હતો.
ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ઇમરજન્સી નંબર ૧૧૨ પર જાણ કરવા સાથે ખેતરમાં આવેલી પાણીની મોટર ચાલુ કરી આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ થતાં દેડિયાપાડા પોલીસનો સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ અને ગ્રામજનોએ સંયુક્ત રીતે આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી.
જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ટેમ્પામાં ભરેલો મંડપનો તમામ સામાન અને આખું વાહન બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક માહિતી મુજબ ટેમ્પો ચાલક જ વાહનનો માલિક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં મોટું આર્થિક નુકસાન થયું હોવા છતાં સદનસીબે ચાલક સહિત કોઈ જાનહાનિ થઈ નથી.
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આગનું કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. બીજી તરફ, ચાલકે સમયસૂચકતા દાખવી સળગતા ટેમ્પાને ખેતરમાં ઉતારતાં રસ્તા પર અન્ય વાહનોને સંભવિત નુકસાન અને મોટી દુર્ઘટના ટળી હતી. ચાલકની હિંમત અને ગ્રામજનોની સમયસરની મદદની સ્થાનિક સ્તરે પ્રશંસા થઈ રહી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડીયાપાડા






