આમોદ સ્થિત ૨૨૦ કે.વી. સબસ્ટેશન પરિસરમાં ગત રાત્રિના સમયે અંદાજે પાંચ ફૂટ લાંબો અત્યંત ઝેરી પ્રજાતિનો કોબ્રા (નાગ) સાપ જોવા મળતાં ફરજ પરના કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. સબસ્ટેશનમાં અચાનક મહાકાય ઝેરી સાપ નજરે પડતાં કર્મચારીઓમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સબસ્ટેશનના એક કર્મચારીએ તુરંત જ ‘નેચર સેવિંગ ફાઉન્ડેશન’ના સ્નેક રેસ્ક્યુઅર અંકિત પરમારનો સંપર્ક સાધી સમગ્ર હકીકત જણાવી હતી. કોલ મળતાની સાથે જ અંકિત પરમાર પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સબસ્ટેશનના પરિસરમાં ફુંફાડા મારી રહેલા અત્યંત ઝેરી કોબ્રા સાપને રેસ્ક્યુ ટીમે ભારે જહેમત અને સાવચેતીપૂર્વક સલામત રીતે પકડી પાડ્યો હતો. સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થતાં સબસ્ટેશનના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ, નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આ કોબ્રા સાપને સુરક્ષિત રીતે તેના નૈસર્ગિક (કુદરતી) વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
• રિપોર્ટ:વિનોદ પરમાર,આમોદ






