સદીઓ જૂની પરંપરા અને અતૂટ શ્રદ્ધાને જીવંત રાખતા પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે માં નર્મદાના પાવન તટે વાર્ષિક ઐતિહાસિક મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. તા. 21 થી ૨7 નવેમ્બર દરમિયાન સાત દિવસ સુધી ચાલનારા આ લોકમેળાનું વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ તથા અગ્રણી નરેન્દ્રસિંહ પરમાર સહિતના મહાનુભાવોના હસ્તે વિધિવત રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ મેળાનું શ્રીફળ વધેરી ધન્યતા અનુભવી હતી અને જણાવ્યું હતું કે, “માં નર્મદાના પવિત્ર તટે યોજાતો શુક્લતીર્થનો આ મેળો આપણી ધાર્મિક આસ્થા, લોકસંસ્કૃતિ અને ભવ્ય પરંપરાનો જીવંત ઉત્સવ છે.” પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા શુક્લતીર્થ ગામે આજથી કારતકી અગિયારસના 7 દિવસીય ભાતીગળ મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. 21 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી યોજાનારા આ મેળાને લઈને ગામમાં ઉત્સાહ અને ચહલપહલનો માહોલ છવાયો છે.
મેળાના પ્રારંભ સાથે જ સમગ્ર મંદિર પરિસર અને મેળાનુ મેદાન ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં રંગાઈ ગયું છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને શ્રદ્ધાળુઓએ માં નર્મદાના પવિત્ર જળમાં સ્નાન તથા દેવદર્શન-પૂજન કરીને ધન્યતા અનુભવી હતી.
આગામી ચાર દિવસ દરમિયાન મુલાકાતીઓને આધ્યાત્મિકતા અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળશે. શ્રદ્ધાળુઓ દેવદર્શનની સાથે સાથે વિવિધ પ્રકારના ચકડોળ, પરંપરાગત હાટડીઓ અને અવનવી ખાણી-પીણીના સ્ટોલ્સનો પણ મન ભરીને લુત્ફ ઉઠાવી શકશે. આયોજકોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ભરૂચ સહિત આસપાસના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડશે.






