નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બેસણા ગામમાં બકરાં માટે ઝાડનો પાલો લેવા ગયેલા ૨૧ વર્ષીય યુવકનું વીજ કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, બેસણા ગામના પટેલ ફળિયામાં રહેતા ૨૧ વર્ષીય સિડેશભાઈ ભંગડાભાઈ ગત ૧૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બકરાં માટે ચારો (ઝાડનો પાલો) લેવા માટે ગયા હતા. ડેડીયાપાડાથી ચીકદા તરફ જતા માર્ગ પાસે તેઓ ઝાડનો પાલો કાપી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ઝાડની ડાળી ઉપરથી પસાર થતા જી.ઈ.બી. (વીજ કંપની) ના જીવંત વીજ વાયરને અડી ગઈ હતી.

ડાળી વીજ વાયરને અડતાની સાથે જ સિડેશભાઈને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ એટલો તીવ્ર હતો કે તેમને બચવાની કોઈ તક મળી ન હતી અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

આ બનાવ અંગે મૃતકના પરિવારજન સંજયભાઈ ભંગડાભાઈ વસાવા (ઉંમર ૨૫, રહે. પટેલ ફળિયું, બેસણા) દ્વારા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે બી.એન.એસ.એસ. (BNSS) ની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. ઘટનાની આગળની તપાસ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના અ.હે.કો. અશોકભાઈ પારસિંગભાઈ ચલાવી રહ્યા છે.
આ કરુણ દુર્ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોમાં વીજ તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા અને જોખમી વીજ વાયરો તેમજ વીજ લાઈનોને અડી જતી ઝાડની ડાળીઓનું સમયાંતરે સમારકામ અને ટ્રિમિંગ (કાપણી) કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવા અકાળે થતા મોત અટકાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here