જંબુસર તાલુકાના ડાભા ગામમાં આજરોજ એક મહાકાય અજગર જાળમાં ફસાઈ જવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો હતો. ગામના તળાવ નજીકના વિસ્તારમાં વિશાળકાય અજગર જાળમાં ફસાયેલો હોવાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા.
જાળમાં ફસાયેલા મહાકાય અજગરને જોવા માટે લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં, જેના કારણે સ્થળ પર ભારે ઉત્સુકતા જોવા મળી હતી. જોકે, વન્યજીવની સુરક્ષા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી સ્થાનિક લોકોએ સાવચેતી જાળવી રાખી હતી.
આ ઘટના અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવતાં, વન વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ અજગરને કોઈ પણ પ્રકારની ઈજા ન પહોંચે તેની ખાસ તકેદારી રાખીને જાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
ન વિભાગની સમયસરની કામગીરીથી અજગરનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટના સમગ્ર ડાભા ગામ અને આસપાસના પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની હતી.





