વાગરા બસ મથકમાં નવરા લોકો અને અસામાજિક તત્વોની સતત હાજરીને પગલે મુસાફરો ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ જતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


વાગરા નગરમાં એસ.ટી. બસ ડેપો મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવ્યો છે કે પછી નવરા અને અસામાજિક તત્વોને આરામ ફરમાવવા માટેનું આશ્રયસ્થાન બની ગયો છે? તેવો વેધક સવાલ હવે સ્થાનિકો અને મુસાફરોમાંથી ઉઠી રહ્યો છે. બસ મથકના પરિસરમાં કેટલાક નવરા તત્વો કાયમી અડીંગો જમાવીને બેસતા હોવાની ફરિયાદો સામે આવતાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જાયો છે.

મહિલાઓ અને વિદ્યાર્થિનીઓમાં ભયનો માહોલ
આ પરિસ્થિતિના કારણે ખાસ કરીને બસમાં નિયમિત અવરજવર કરતી મહિલાઓ તેમજ દરરોજ શાળા-કોલેજમાં અભ્યાસ માટે આવતી-જતી યુવતીઓમાં અસલામતી અને ડરની લાગણી ફેલાઈ રહી છે. બસની રાહ જોતી મહિલાઓ અને વિદ્યાર્થિનીઓની આસપાસ આવા તત્વોનો જમાવડો રહેતો હોવાથી બસ ડેપોનું વાતાવરણ ચિંતાજનક બન્યું છે.

પોલીસ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોની ઉગ્ર માંગ
જાહેર પરિવહનના આ મહત્વના સ્થળે પોલીસની નિયમિત હાજરી રાખવામાં આવે તેવી માંગ જોર પકડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, જો સમયસર તકેદારી રાખવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે જવાબદારી કોણ લેશે?
ગામલોકો અને મુસાફરો દ્વારા વાગરા પોલીસ સમક્ષ બસ ડેપોમાં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવા, નિયમિત પોલીસ પેટ્રોલિંગ વધારવા તેમજ ખાસ કરીને શાળા-કોલેજના સમય દરમિયાન પોલીસની હાજરી સુનિશ્ચિત કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. લોકોનો આક્રોશ છે કે, વાગરા બસ ડેપો કોઈના બાપનો અંગત અડ્ડો નથી, આ જાહેર જનતાની સુવિધાનું સ્થળ છે અને મહિલાઓ-વિદ્યાર્થિનીઓને ભયમુક્ત વાતાવરણમાં મુસાફરી કરવાનો પૂરો અધિકાર છે. પોલીસ તંત્ર આ બાબતે તાત્કાલિક કડક કાર્યવાહી કરી અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવે તે જરૂરી બન્યું છે, નહીં તો મહિલા સુરક્ષાના સરકારી દાવાઓ માત્ર કાગળ પર જ રહી જશે તે નક્કી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here