શ્રી દાસજીયા ગોગ મહારાજ મંદિરના રજત જયંતિ મહોત્સવના ઉપક્રમે કર્મભૂમિ સુરતથી શરૂ થયેલી ભવ્ય પદયાત્રા આજે શ્રદ્ધા અને ઉત્સાહભર્યા માહોલમાં ભરૂચ જિલ્લામાં પ્રવેશી ચૂકી છે. ભરૂચની ધરા પર પગ મૂકતા જ પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા પોતાની મંજિલ તરફ આગળ વધતાં આજે રાત્રી રોકાણ ઝાડેશ્વર સ્થિત બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ મંદિર ખાતે કરશે.

જન્મભૂમિ દાસજ (ઉંઝા) તરફ આગળ વધી રહેલી આ પદયાત્રામાં કુલ ૧૬૦૦ લોકોનો વિશાળ કાફલો સામેલ છે. જેમાં ૧૦૦૦ જેટલા સમર્પિત પદયાત્રીઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે. આ યાત્રીઓની સેવા અને સુવિધા માટે ૬૦૦ સેવકોની ટીમ ખડેપગે કાર્યરત છે, જેને ૩૦૦-૩૦૦ સભ્યોની બે વિશેષ ટીમોમાં વહેંચવામાં આવી છે.
લાંબી મજલ કાપી રહેલા પદયાત્રીઓ માટે આયોજકો દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ અદભુત અને પ્રશંસનીય છે. યાત્રા દરમિયાન શુદ્ધ પીવાનું પાણી, ચા-નાસ્તો, પૌષ્ટિક જમણવાર, સુલભ રાત્રી રોકાણ અને આરોગ્યપ્રદ સફાઈની હાઈટેક વ્યવસ્થા કરવામાં આવી છે, જે સમગ્ર રૂટ પર આકર્ષણનું કેન્દ્ર બની છે.
આજે રાત્રે ૮:૦૦ વાગ્યે ભવ્ય આરતી: દર્શનનો લાભ લેવા અપીલ
આજે રાત્રે ૮:૦૦ કલાકે ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર પરિસરમાં શ્રી ગોગ મહારાજની ભવ્ય સાંજની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ભક્તિ અને સેવાનો અનોખો સંગમ રચતી આ ભવ્ય પદયાત્રા આગામી તારીખ ૧૬/૧૧/૨૦૨૬ ના રોજ પોતાના ગંતવ્ય સ્થાન દાસજ (ઉંઝા) મુકામે પહોંચશે, જ્યાં રજત જયંતિ મહોત્સવની મુખ્ય ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે





