ભરૂચના માતરિયા તળાવ પાસેના પાર્કમાં તૂટેલા સાધનો અને બિસ્માર સુવિધાઓથી નાગરિકોમાં રોષ ફેલાયો છે.
ભરૂચ શહેરના મધ્યમાં આવેલાં માતરિયા તળાવની આસપાસ લાખો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલો પાર્ક હવે તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બની રહ્યો છે.

નાગરિકોને હરવા-ફરવા, કસરત કરવા તેમજ બાળકોને રમવા માટે ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દશ્યથી બૌડા દ્વારા બનાવવામાં આવેલાં આ પાર્કની હાલત જોઈને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયાં છે.

વિકાસના નામે લાખો રૂપિયાનો ખર્ચ કર્યાં બાદ તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી ન હોવાની હકીકત સામે આવી છે.પાર્કમાં બાળકો માટે બનાવવામાં આવેલાં પ્લે ઝોનમાં રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યાં છે એટલું જ નહીં પ્લે એરિયામાં લગાવવામાં આવેલી ટાઈલ્સ પણ અનેક સ્થળેથી ઉખડી ગઈ છે.

આવી જોખમી સ્થિતીમાં બાળકો રમતા રમતા પડી જાય તો ગંભીર ઈજાઓ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. બાળકોની સુરક્ષા સાથે આવા ચેડાં કેમ ચલાવી લેવામાં આવે છે. તેવો સવાલ વાલીઓમાં ઊભો થઈ રહ્યો છે. બીજી તરફ નાગરિકોના સ્વાસ્થ્ય માટે બનાવેલાં જોગિંગ ટ્રેકની હાલત પણ દયનીય બની છે. ટ્રેક પરના પેવર બ્લોક અનેક સ્થળેથી નિકળી ગયાં છે. જેના કારણે ચાલતા કે દોડતા નાગરિકોના પગ ડાકો પડી જતાં તેઓ પડી જઈ ઈજાગ્રસ્ત થઈ શકે છે.

થોડા સમય પહેલાં એક વૃદ્ધ આ ટ્રેક પર પડી ગયાં હોવાની ચર્ચા પણ ચાલી રહછે. ત્યારે આરોગ્ય સુધારવા માટે બનાવવામાં આવેલો ટ્રેક જ હવે નાગરિકો માટે જોખમરૂપ બની રહ્યો છે. પાર્કમાં વૃદ્ધો માટે બેસવાની વ્યવસ્થા, ગેઝિબો તેમજ યુવાનો-વૃદ્ધો માટે કસરતના સાધનો જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરંતુ માત્ર સુવિધાઓ ઉભી કરવાથી તંત્રની જવાબદારી પૂરી થતી નથી તેની નિયમિત તપાસ, મરામત તેમજ જાળવણી કરવી પણ એટલી જ જરૂરી હોવાનું પાર્કમાં આવતાં લોકોએ જણાવ્યું હતું.

તેમણે આક્ષેપ કર્યાં હતાં કે, વૃક્ષોની માવજત કરવામાં પણ બેદરકારી દાખવાય છે, એટલં જ નહીં કાપવામાં આવતી ઝાડીઓ અને વૃક્ષોની ડાળખીઓનો યોગ્ય નિકાલ ન કરવાના બદલે તળાવના પાણીમાં જ ફેંકી દેવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

બૌડા તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી તૂટેલાં સાધનો, ઉખડેલી ટાઈલ્સ તેમજ પેવર બ્લોકનું સમારકામ કરાવવામાં આવે તેમજ પાર્કની નિયમીત જાળવણી માટે કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here