અટાલી સ્થિત આશ્રમશાળા ખાતે આરતી ફાર્માલેબ લિમીટેડ (Aarti Pharmalabs Limited) કંપની અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના સંયુક્ત સહયોગથી “સેવા મેરા યોગદાન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિકમુક્ત સમાજના નિર્માણ માટે જનભાગીદારી વધારવાનો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના મહિલા અધિકારીઓ શ્રીમતી અલ્પા વસાવા તથા દર્શનાબેન, આરતી ફાર્માલેબ લિમીટેડના કર્મનિષ્ઠ કર્મચારીઓ તેમજ અટાલી, વેંગણી અને કોલિયાદ ગામના સ્થાનિક અગ્રણીઓ અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત શાળા પરિસરમાં અને આસપાસના વિસ્તારમાં જોશભેર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, તેમજ ઉપસ્થિત સૌ કોઈને સ્વચ્છતા જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે પ્રકૃતિના સંતુલનને જાળવી રાખવા માટે વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતન માટેના સક્રીય પ્રયાસો હાથ ધરાયા હતા.
સિંગલ-યુઝ પ્લાસ્ટિકના દૂષણને ડામવા અને પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અટાલી, વેંગણી અને કોલિયાદ ત્રણેય ગામના સરપંચોને પ્રતીકાત્મક રૂપે કોટન બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ પાછળનો હેતુ દરેક ઘર સુધી કોટન બેગના ઉપયોગનો સકારાત્મક સંદેશ પહોંચાડવાનો અને લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે જાગૃત કરવાનો છે. ઉપસ્થિત ગ્રામજનો અને મહાનુભાવોએ પર્યાવરણના રક્ષણ માટે હંમેશા અગ્રેસર રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.





