સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામે સાજીદ પીરમહંમદ કુરેશીના મોતનો હિટ એન્ડ રન કેસ હત્યામાં પલટાયો હોવાનો પોલીસનો દાવો છે. સાઉથ આફ્રિકાથી લોકેશન આપીને રૂ.1 લાખની સોપારીથી હત્યા કરાવ્યાનો આક્ષેપ છે. સુરત ગ્રામ્ય LCBએ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામની સીમમાં રમજાન માસ દરમિયાન બનેલા હિટ એન્ડ રનના ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં રોડ અકસ્માત તરીકે સામે આવેલી આ ઘટના પાછળ પૂર્વઆયોજિત હત્યાનું કાવતરું હોવાનું પોલીસે જણાવ્યુ છે. સાજીદ પીરમહંમદ કુરેશીની હત્યા કરવા માટે રૂ.1 લાખની સોપારી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. સુરત ગ્રામ્ય LCBએ સોપારી આપનાર અને હત્યાને અંજામ આપનાર બે આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ માટે પલસાણા પોલીસને સોંપ્યા છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, 15 માર્ચ 2026ના રોજ રાત્રે આશરે 12:45 વાગ્યે પલસાણા-બારડોલી રોડ પર વણેસા ગામની સીમમાં સાજીદ પીરમહંમદ કુરેશી (ઉં.વ.43) બર્ગમેન મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લઈ કચડી નાખ્યા હતા અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓને કારણે સાજીદનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં આ બનાવ અંગે પલસાણા પોલીસ મથકમાં હિટ એન્ડ રનનો ગુનો નોંધાયો હતો. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમો વણશોધાયેલા ગુનાઓ અને ફેટલ અકસ્માતોની તપાસ કરી રહી હતી. આ દરમિયાન LCB PI એન.જી. પાંચાણી અને PSI એ.એન. ચૌહાણને ખાનગી બાતમી મળી હતી કે સાજીદનું મોત અકસ્માત નહીં, પરંતુ પૂર્વઆયોજિત હત્યા હોવાનું જણાય છે. બાતમી મુજબ, બલેશ્વર ગામના અબ્દુલરહેમાન અબ્દુલમજીદ શેખે પોતાના મિત્ર સોયેબ ઘાંચીને રૂ.1 લાખની સોપારી આપી હતી.
બાતમીના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ આગળ ધપાવી હતી. તપાસમાં અબ્દુલરહેમાન તાજેતરમાં સાઉથ આફ્રિકાથી પરત આવ્યો હોવાનું, જ્યારે સોયેબ ઘાંચી બલેશ્વરથી ફરાર થયો હોવાનું સામે આવ્યું હતું. બંને શંકાસ્પદોને ઝડપી પાડી પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હોવાનો પોલીસનો દાવો છે.
પોલીસ તપાસ મુજબ, અબ્દુલરહેમાન શેખને સાજીદ કુરેશીની પત્ની સાથે પ્રેમસંબંધ બાંધવાની લાલચ હતી. સાજીદના કારણે તેને મુશ્કેલી થતી હોવાની માન્યતા રાખીને તેણે સાજીદને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ છે. આ માટે પોતાના મકાનમાં ભાડેથી રહેતા સોયેબ ઘાંચીને રૂ.1 લાખમાં હત્યા કરવાની સોપારી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
હત્યા માટે આરોપીઓએ કડી ખાતેથી એક બોલેરો પીકઅપ વાહન ખરીદ્યું હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે. ત્યારબાદ સાજીદને પૈસાની લાલચ આપી બારડોલી બોલાવવામાં આવ્યો હતો. આ સમગ્ર સમયગાળા દરમિયાન અબ્દુલરહેમાન સાઉથ આફ્રિકામાં રહીને સાજીદ અને સોયેબના સંપર્કમાં હતો અને સાજીદનું લોકેશન સોયેબને આપતો હોવાનો આરોપ છે.
લોકેશનના આધારે સોયેબ બોલેરો પીકઅપ લઈને સાજીદનો પીછો કરતો હતો. પલસાણા-બારડોલી રોડ પર સાજીદે મોપેડ ઊભું રાખ્યું ત્યારે સોયેબે પૂરઝડપે પીકઅપ તેમની ઉપર ચઢાવી દીધું હોવાનો પોલીસનો દાવો છે. સાજીદનું મોત થયા બાદ સોયેબ વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ રીતે ઘટનાને અકસ્માતનું સ્વરૂપ આપીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે.
પોલીસની પૂછપરછ દરમિયાન હત્યા માટે સોયેબને રૂ.1 લાખ ચૂકવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે. બંને આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા કુલ ત્રણ મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે, જેની કિંમત આશરે રૂ.23 હજાર છે. આ કેસમાં સુરત ગ્રામ્ય LCBએ અબ્દુલરહેમાન અબ્દુલમજીદ શેખ (ઉં.વ.42), રહે. બલેશ્વર, પલસાણા અને સોયેબ અબ્દુલકાદર ઘાંચી (ઉં.વ.35), રહે. સરખેજ, અમદાવાદને ઝડપી પાડ્યા છે. બંનેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પલસાણા પોલીસને સોંપવામાં આવ્યા છે.





