શ્રી ગોકુળનગર નઝરાના જૈન સંઘના જૈન ભવનમાં પ્રવચન પ્રભાવક જૈનાચાર્ય પદ્મદર્શનસૂરિજી મહારાજે ધર્મસભા સમક્ષ જણાવ્યું હતું કે, પ્રોપર્ટી સમ્રાટ બનવા કરતાં પુણ્યસમ્રાટ બનવું જોઇએ.આજનો માણસ પ્રોપર્ટીઓ વસાવીને એવું માની રહ્યો છે કે ખૂબ શ્રીમંત છે.સત્તા, સંપત્તિ અને સૌન્દર્ય મળવા માત્રથી મહાન બનાતું નથી.જો તમારું પુણ્ય બળવાન હશે તો જંગલમાં પણ મંગલ થઇ જશે. પુણ્યવાનને વગર સાધનાએ બધું મળી જાય છે.સાધના તો તેને કરવી પડે છે કે જેનું પુણ્ય જાપાનીઝ કાચની બરણી જેવું છે. ગમે ત્યારે આફતો જીવનમાં આવી જતી હોય તો સમજી રાખશો કે તમારું પુણ્ય નબળું છે.
અત્યારે મોટા ભાગના લોકોનું પુણ્ય કાચા સુતરના ધાગા જેવું છે.રાવણનો ભાણેજ શંબૂક સૂર્યહાસ ખડ્ગની પ્રાપ્તિ માટે બાર વર્ષને સાત દિવસની સાધના વાંસના જંગલમાં ઊંધા માથે લટકીને કરી રહ્યો હતો. બાર વર્ષને ચાર દિવસની સાધના થઇ પણ બાર વર્ષને પાંચમા દિવસે લક્ષ્મણજી વનનું સૌંદર્ય જોવા આવ્યા. આકાશમાં ઉતરતી સૂર્યહાસ ખડ્ગને છલાંગ મારીને હાથમાં લઇ લીધી. લક્ષ્મણે કોઇ સાધના કરવી પડી નહોતી. પુણ્યશાળી જ્યાં જાય ત્યાં વિજયનો વાવટો લહેરાવે છે. લક્ષ્મણજીની ભીતરમાં ભક્તિ, મૈત્રી અને શુદ્ધિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. આથી તેઓ સત્ત્વશિરોમણી તરીકે સુપ્રસિદ્ધ બન્યા હતા. પુણ્યસમ્રાટ બનવા માટે દેવ-ગુરુ-ધર્મની પરાભક્તિ કરો.
અત્યારે આપણા સહુનાં પુણ્ય નબળાં પડ્યા છે. પુણ્યને મજબૂત કરવાની જરૂર છે. માતા-પિતાની, સદગુરૂની અને ધર્મ પ્રત્યેની આસ્થા વધારવાની જરૂર છે. જો તેમનાં પ્રત્યે અરૂચિ, અસદ્ભાવ કે દુર્ભાવ પેદા કરશો તો એનાં પરચા આ જ ભવમાં મળશે. માતા-પિતા કે સદગુરુનો દ્રોહ સ્વપ્નમાં પણ કરતા નહિં. માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ કાંઇ પણ કરશો તો હજુ કદાચ પ્રસિદ્ધિ મળશે પણ સિદ્ધિ તો નહીં જ મળે.એ મળેલી પ્રસિદ્ધિઓ તારક બનવાને બદલે મારક બનશે.માતા-પિતા અને સદગુરૂ તો સ્વર્ગની સીડી છે.
આશીર્વાદ વિનાની પ્રસિદ્ધિઓ જીવનને અધઃપતન તરફ લઇ જાય છે. આજે મા-બાપની અને સદગુરુની ઇચ્છા વિરુદ્ધ વર્તનારો વર્ગ કાળના પ્રભાવે વધતો જાય છે. ઘરડા ઘરો અને વૃદ્ધાશ્રમોનો વ્યાપ વધતો જાય છે એના મૂળમાં માતા-પિતાનો દ્રોહ છે. જીવનમાં સુખ, શાંતિ અને સમાધિ જોઇતી હોય તો સમર્પણ ભાવને વિકસાવતા જાઓ. ભેગું કરવાને ભેગા થવાની વૃત્તિ રાખશો તો આફત અવસરમાં પલટાઇ જશે.





