લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘રન ફોર યુનિટી’ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવવા અને નાગરિકોમાં શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ દોડમાં પોલીસ વિભાગના અધિકારીઓ, જવાનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ એનજીઓના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમનો પ્રારંભ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી દોડને પ્રસ્થાન કરાવીને કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભરૂચ પ્રાંત અધિકારી મનીષા માનાણી, જંબુસર પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલી અને ઝઘડિયા એએસપી અજયકુમાર મીણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત હેડક્વાર્ટર ડીવાયએસપી એમ.એમ. ગાંગુલી, દહેજ ડીવાયએસપી ડો. અનિલ સિસારા, અંકલેશ્વર ડીવાયએસપી ડો. કુશલ ઓઝા તેમજ સિવિલ સર્જન વી.આર. ઉપાધ્યાય સહિત વિવિધ પોલીસ મથકોના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડથી શરૂ થયેલી દોડ વેજલપુર, બંબાખાના અને મહોમદપુરા થઈ સબજેલ બહારના વળાંક સુધી પહોંચી હતી. ત્યારબાદ દોડવીરો નિર્ધારિત માર્ગે પરત ફરી પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. સમગ્ર દોડ દરમિયાન રાષ્ટ્રીય એકતા, ભાઈચારો અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો. દોડ પૂર્ણ થયા બાદ વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર દોડવીરોને મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મહિલા પોલીસ મથકનાં પીએસઆઈ વૈશાલી આહિરે કર્યું હતું. સર્દાર પટેલની જન્મજયંતીને માત્ર ઉજવણી પૂરતી મર્યાદિત ન રાખતાં રાષ્ટ્રીય એકતા અને શારીરિક સ્વાસ્થ્યના સંદેશ સાથે ભરૂચ પોલીસ વિભાગે રન ફોર યુનિટીના માધ્યમથી જનભાગીદારીનો પ્રયાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here