નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના હકનો વર્ષો જૂનો પ્રશ્ન ફરી ઉગ્ર બન્યો છે. ખોપી, નાલ સહિતનાં 12 ગામોના આદિવાસી ખેડૂતોને જમીનના કાયદેસરના હકો અપાવવાની માંગ સાથે ખેડૂત આંદોલને ફરી વેગ પકડ્યો છે. આ મુદ્દે ખેડૂત આગેવાન લીલાબેન વસાવાએ આત્મવિલોપનની ચીમકી આપતાં તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વર્ષોથી જમીન પર ખેતી કરતા ગરીબ આદિવાસી ખેડૂતોને હજુ સુધી ન્યાય કેમ મળ્યો નથી, તેવો પ્રશ્ન હવે ઉઠી રહ્યો છે.

તા. 28 ઓક્ટોબર, 2026ના રોજ આદિવાસી ખેડૂતો દ્વારા સાગબારા મામલતદારને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરતા ખેડૂતોના હકોનો પ્રશ્ન ઉકેલવા અને વન અધિકાર અધિનિયમ હેઠળ રજૂ કરાયેલા દાવાઓનો વહેલી તકે નિકાલ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે.
પારણાં કરાવી દગો કર્યાનો આક્ષેપ
ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સાથે પારણાં કરાવી આશ્વાસનો આપવામાં આવ્યા, પરંતુ જમીનના હકનો મૂળભૂત પ્રશ્ન આજદિન સુધી ઉકેલાયો નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ, તેઓ વર્ષ 2002થી જંગલ જમીન પર ખેતી કરતા આવ્યા છે. તેમ છતાં લાંબા સમયથી ચાલતી રજૂઆતો બાદ પણ તેમના પ્રશ્નનો કાયમી ઉકેલ ન આવતાં આદિવાસી પરિવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ઉમરપાડાના ખેડૂતોને રાહત તો સાગબારાના ખેડૂતોને કેમ નહીં?
આંદોલનકારીઓએ સવાલ ઉઠાવ્યો છે કે જો ઉમરપાડા વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્ને રાહત આપવાની દિશામાં પગલાં લેવાઈ શકે છે, તો સાગબારા તાલુકાના 12 ગામોના ખેડૂતોના પ્રશ્ને પણ સમાન ધોરણે નિર્ણય કેમ લેવામાં આવતો નથી? સાગબારાના આદિવાસી ખેડૂતોને ન્યાય મેળવવા વારંવાર આવેદનપત્રો અને રજૂઆતોનો સહારો લેવો પડે તે સ્થિતિ તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે.
ખેડૂતોની મુખ્ય માંગ છે કે વન અધિકાર અધિનિયમ હેઠળના દાવાઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, પાત્ર ખેડૂતોના હકો અંગે કાયદેસર નિર્ણય લેવામાં આવે અને વર્ષોથી પડતર રહેલા પ્રશ્નનો સમય મર્યાદામાં ઉકેલ લાવવામાં આવે.
આત્મવિલોપનની ચીમકીથી તંત્ર સામે પડકાર
ખેડૂત આગેવાન લીલાબેન વસાવાએ આત્મવિલોપનની ચીમકી આપતાં હવે આ મુદ્દો વધુ ગંભીર બન્યો છે. ખેડૂતોને માત્ર આશ્વાસનો આપવાને બદલે તેમની રજૂઆતો પર નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જોકે, આત્મવિલોપનની ચીમકી અંગે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અને ખેડૂતોની માંગણીઓ અંગે કયો નિર્ણય લેવાયો છે, તે અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવવાની બાકી છે.
હવે જોવાનું એ રહ્યું કે મુખ્યમંત્રીને સંબોધીને પાઠવવામાં આવેલા આવેદનપત્ર બાદ તંત્ર માત્ર આશ્વાસન આપીને મામલો થાળે પાડશે કે પછી ખોપી, નાલ સહિતનાં 12 ગામોના આદિવાસી ખેડૂતોને જમીનના હકો અપાવવાની દિશામાં ખરેખર નક્કર અને સમયબદ્ધ કાર્યવાહી કરશે. વર્ષોથી ખેતી કરતા ખેડૂતોને ન્યાય ક્યારે મળશે તે પ્રશ્ન હાલ યથાવત છે.





