ભરૂચ જિલ્લામાં શંકાસ્પદ ખાદ્યપદાર્થોના જથ્થાને લઈને ચકચાર મચાવતી કાર્યવાહી સામે આવી છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સીમમાં આવેલા યોગી એસ્ટેટ-02ના પ્લોટ નંબર 54 પર સ્થિત એ.બી. એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ દરોડો પાડીને આશરે 20,375 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ચાર શખ્સોને પકડી કુલ રૂ. 31,16,250નો મુદ્દામાલ જપ્ત કરતાં ગોડાઉનમાં ચાલતી પ્રવૃત્તિઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ અંકલેશ્વર GIDC વિસ્તારમાં કંપનીઓ અને ગોડાઉનોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના પગલે LCBની ટીમો પેટ્રોલિંગ અને તપાસમાં સક્રિય હતી. આ દરમિયાન પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળીયાને બાતમી મળી હતી કે જીતાલી ગામની સીમમાં આવેલા યોગી એસ્ટેટ-02ના ગોડાઉનમાં શંકાસ્પદ ઓઇલનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરતાં ત્રણ ટેન્ક અને વિવિધ ડબ્બાઓમાં ભરેલો આશરે 20,375 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ગોડાઉન સુધી ટેન્કર મારફતે ઓઇલ લાવવામાં આવતું હોવાની અને ત્યારબાદ તેને સ્ટેનલેસ સ્ટીલની મોટી ટેન્કમાં સંગ્રહિત કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ આ જથ્થાને 15 લિટરના ડબ્બાઓમાં ભરી તેના પર ‘પંચમ પૂજા ઓઇલ’નાં લેબલ લગાવવામાં આવતાં હોવાની માહિતી પણ તપાસ દરમિયાન મળી હતી. પોલીસે જથ્થા સંબંધિત બિલ અને જરૂરી લાઇસન્સ માગતાં સંબંધિત શખ્સો તે રજૂ કરી શક્યા નહોતા. જોકે, જપ્ત કરાયેલા પદાર્થની વાસ્તવિક ગુણવત્તા અને તેની ખાદ્ય સુરક્ષાને લગતી સ્થિતિ અંગે અંતિમ નિષ્કર્ષ માટે તપાસ અને નમૂનાઓના અહેવાલ મહત્ત્વના બની રહેશે.

આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે આશરે રૂ. 30,56,250ની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો, રૂ. 60,000ની કિંમતના પાંચ મોબાઇલ ફોન અને સ્ટિકરના ત્રણ બોક્સ સહિત કુલ રૂ. 31,16,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ તપાસ માટે શંકાસ્પદ જથ્થાના આઠ નમૂના પણ લેવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અભિ કનૈયાલાલ ભરતીયા, હિતેષભાઈ નરેશભાઈ ભરતીયા, પ્રવિણભાઈ કરમશીભાઈ માળી અને અંકુરભાઈ નરેશભાઈ ભરતીયાને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચારેય આરોપીઓ સુરતના અલગ-અલગ વિસ્તારોના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here