અંકલેશ્વરમાં સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા નર્મદા ક્લીન ટેક (NCT)ના કોમન ફાઇનલ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ટ્રીટ કરીને પાઇપલાઇન મારફતે હાંસોટના કંટીયાળજાલ દરિયામાં છોડવામાં આવે છે. પ્લાન્ટની ક્ષમતા વધારવાની દરખાસ્ત અંગે લોકોના અભિપ્રાય અને રજૂઆતો સાંભળવા સુનાવણી યોજાઈ હતી.
જેમાં NCTના પ્લાન્ટની ક્ષમતા 40 MLDથી વધારીને 70 MLD કરવાની દરખાસ્ત અંગે પર્યાવરણીય લોકસુનાવણી યોજાઈ. તેમાં ખેડૂતોએ પ્રદૂષણ અને પાઇપલાઇનના નુકસાનનું વળતર ન મળવા સહિતના મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નોટિસ મુજબ, કંપનીના પ્લાન્ટ ખાતે યોજાયેલી સુનાવણીની અધ્યક્ષતા પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર અને બોર્ડના પ્રાદેશિક અધિકારી એસ.એન. અગ્રાવતે કરી હતી. તેમાં આસપાસના ગામોના લોકો અને પર્યાવરણપ્રેમીઓ હાજર રહ્યા હતા.
હાંસોટ પંથકમાં કંપનીએ તાજેતરમાં નાખેલી પાઇપલાઇનથી થયેલા નુકસાનનું વળતર ખેડૂતોને હજુ મળ્યું નથી, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કંપનીની લાઇનમાં વારંવાર ભંગાણ થવાથી પ્રદૂષણનો પ્રશ્ન પણ રજૂ થયો હતો.
નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિના સેક્રેટરી જયેશ પટેલે જણાવ્યું કે તેમણે પ્લાન્ટના વિસ્તરણ અંગે 48 ટેકનિકલ મુદ્દા રજૂ કર્યા હતા, પરંતુ તેનો જવાબ મળ્યો નથી. NCTમાં 900થી વધુ ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ટ્રીટ થાય છે. વેસ્ટના આંકડા પણ મેળ ખાતા નથી, એવો તેમણે દાવો કર્યો હતો.
જયેશ પટેલે અંકલેશ્વર શહેરના વિકાસ માટે CSR ફંડ વાપરવાની પણ માંગ કરી હતી. ખેડૂતો અને સ્થાનિકોએ રજૂ કરેલા મુદ્દા અધિકારીઓએ સાંભળ્યા અને નિયમ મુજબ કાર્યવાહી કરવાની ખાતરી આપી.





