ભરૂચ શહેરના ઐતિહાસિક અને વ્યસ્ત એવા બંબાખાના વિસ્તારમાં આર્ષદ્રષ્ટા અને હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય મૂર્તિ તેમજ નવનિર્મિત સર્કલનું ગરિમામય માહોલમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગ સ્થાનિક રહીશો અને સમગ્ર ભરૂચવાસીઓ માટે ભારે હર્ષ અને ગૌરવની ક્ષણ બની રહ્યો હતો.

શહેરના સુવ્યવસ્થિત વિકાસ અને સુશોભીકરણના ભાગરૂપે આ આખાય પ્રોજેક્ટનું નિર્માણ આશરે રૂપિયા ૨૪.૫૧૨ લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. આ લોકઉપયોગી અને પ્રેરણાદાયી કાર્યમાં દહેજની જાણીતી કંપની GFL દ્વારા સરાહનીય આર્થિક અને સામાજિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. કંપનીના આ યોગદાનને સ્થાનિક તંત્ર અને આગેવાનો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું.
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત રૂપિયા ૨૪.૫૧૨ લાખનો ખર્ચ થશે. આ અંતર્ગત સર્કલનું આધુનિકીકરણ, સૌંદર્યીકરણ અને આકર્ષક લાઇટિંગની સુવિધા ઊભી કરાશે.આ સર્કલનું મુખ્ય આકર્ષણ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા રહેશે.તેમણે ઉમેર્યું હતું કે, બંબાખાના વિસ્તાર રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલો છે. સ્થાનિક નાગરિકોની લાગણીને ધ્યાનમાં રાખીને અહીં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે.
ધારાસભ્યએ આ પ્રોજેક્ટ માટે ભરૂચ નગરપાલિકા, વોર્ડ નંબર-9ના નાગરિકો અને સમગ્ર શહેર વતી GFLનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બંબાખાના અને આસપાસના વિસ્તારની શોભામાં વધારો થશે અને શહેરને નવી ઓળખ મળશે.
આ નવનિર્મિત સર્કલ અને પ્રતિમાનું અનાવરણ ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, GFL કંપનીના પ્રતિનિધિ સુનિલ ભટ્ટ તેમજ ભરૂચના જિલ્લા કલેક્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, દહેજ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ, પાલિકાના ઉપપ્રમુખ રચિતા મોદી, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, ધર્મેશ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ છત્રપતિ શિવાજી મહારાજના જીવન કવનને યાદ કરી તેમને ભાવપૂર્વક અંજલિ અર્પી હતી.બંબાખાના વિસ્તાર શહેરનો અત્યંત ધમધમતો અને વ્યસ્ત ટ્રાફિક વાળો જંક્શન ગણાય છે. અહીં નવું સર્કલ આકાર લેતાં હવે વાહનોની અવરજવર વધુ સુવ્યવસ્થિત બનશે, જેથી ટ્રાફિક વ્યવસ્થાપનમાં મોટી મદદ મળશે. આ સાથે જ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થવાથી આ સમગ્ર વિસ્તારના સૌંદર્યમાં પણ ચાર ચાંદ લાગી ગયા છે.





