ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વાગરા-પીસાદ માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ટેન્કર અને બાઇક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં બાઇક સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન બીજા યુવકે પણ દમ તોડી દેતાં અકસ્માતમાં મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે.

એક જ અકસ્માતમાં બે યુવકોનાં મોતથી સુતરેલ ગામ સહિત મૃતકોના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, તારીખ 21 ઓક્ટોબર 2026ના રોજ રાત્રિના આશરે 10:15 વાગ્યાના અરસામાં વાગરા ગામથી પીસાદ ગામ તરફ જવાના માર્ગ પર આવેલી એચ.પી. પેટ્રોલ પંપથી આગળના વળાંક પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સમયે ટેન્કર નંબર GJ-18-AZ-5090 ના ચાલકે પોતાનું ટેન્કર પૂરઝડપે અને બેદરકારીભરી રીતે હંકારી બાઇક નંબર GJ-16-EE-9024 સાથે ટક્કર મારી હોવાની ફરિયાદમાં વિગતો દર્શાવવામાં આવી છે. ટક્કર એટલી ભયાનક હતી કે ટેન્કર બાઇકને અંદાજે 100 ફૂટ સુધી ઘસડી ગયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક પોતાના કબજાનું વાહન સ્થળ પરજ મૂકી ફરાર થઇ ગયો હતો.

આ અકસ્માતમાં સુતરેલ ગામની નવીનગરીના રહેવાસી પ્રકાશભાઈ રવજીભાઈ વસાવા અને દિનેશભાઈ રમેશભાઈ વસાવાને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં એકનું સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા ભાઈને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેઓનું પણ મોત નીપજતાં પરિવારે બીજા સ્વજનને પણ ગુમાવ્યો હતો. બે યુવકોનાં મોતથી પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃત્યુના સમાચાર મળતાં જ પરિવારજનોમાં આક્રંદ ફાટી નીકળ્યો હતો. પોતાના વ્હાલસોયા સ્વજનોને ગુમાવવાના આઘાતમાં પરિવારજનો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરિવારજનોનાં હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

આ ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે માર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસ ફરિયાદમાં ટેન્કરચાલકનું નામ-સરનામું અજ્ઞાત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. બનાવ અંગે વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ગોહિલના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાગરા-પીસાદ માર્ગ પર બનેલી આ કરુણ દુર્ઘટનાએ માર્ગ સલામતી અને વાહનચાલકોની જવાબદારી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ તપાસમાં અકસ્માતના તમામ સંજોગો સ્પષ્ટ થાય અને કાયદેસરની કાર્યવાહી આગળ વધે તે જરૂરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર ચાલકને ઝડપી પાડવાની દિશામાં તપાસ તેજ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here