અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન કરીને 25 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું છે. CTM એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પાસેથી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે મૂળ દિલ્હી અને ઉત્તરપ્રદેશના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ ગુજરાતના અલગ અલગ સ્થળોએ મોકલવાનું હોવાનું સામે આવ્યું છે. હાલ ત્રણેય કુખ્યાત આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓમાં તિફેલ નોખેજ (ઉંમર 44, રહે.નવી દિલ્હી) સામેલ છે, જે વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઈન અને 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગંભીર ગુનાનો ઇતિહાસ ધરાવે છે.બીજો આરોપી મોહમ્મદ ઈમરાન અલ્વી (ઉંમર 38, રહે.મેરઠ, ઉત્તરપ્રદેશ), જે છેડતી, કબૂતરબાજી (માનવ તસ્કરી) અને છેતરપિંડી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત શખ્સ છે.

જ્યારે ત્રીજો આરોપી કફીલ અહેમદ (ઉંમર 59, રહે.નવી દિલ્હી) છે, જે અગાઉ જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ એમ.ડી. અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાયાનો મોટો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે.

આ ત્રણેય કુખ્યાત પેડલરો પાસેથી પોલીસે કુલ 2497.490 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) (જેની કિંમત 1.2 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) અને 4531.220 ગ્રામ હેરોઇન (જેની કિંમત 5 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) જપ્ત કર્યું છે. રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here