નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સુરતના અડાજણ વિસ્તારમાં માનવતા અને આનંદનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો. અડાજણ ખાતે કાર્યરત જીવન વિકાસ ટ્રસ્ટ સંચાલિત વિશિષ્ટ બાળકોની શિક્ષણ સંસ્થામાં નવરાત્રી મહોત્સવની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં અડાજણ પોલીસ સ્ટાફે સહભાગી થઈને બાળકોના ચહેરા પર સ્મિત રેલાવ્યું હતું.

નવરાત્રીના આ તહેવાર પર બાળકોમાં રહેલી સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના આશયથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડી.સી.પી ઝોનના ઝાલા સાહેબના નેતૃત્વ હેઠળ સંસ્થાના તમામ વિશિષ્ટ બાળકોને ડ્રોઈંગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કીટ મેળવીને બાળકોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા. પોલીસ વિભાગના આ સ્નેહપૂર્ણ અભિગમને ટ્રસ્ટ અને હાજર તમામ લોકોએ બિરદાવ્યો હતો.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ત્યારે બન્યું જ્યારે અડાજણ પોલીસ સ્ટાફ તમામ બંધનો બાજુ પર મૂકીને આ વિશિષ્ટ બાળકો સાથે ગરબાના તાલે ઝૂમી ઉઠ્યો હતો. ખેલૈયા બનેલા બાળકો અને પોલીસ કર્મીઓએ સાથે મળીને ગરબા ગાઈ નવરાત્રીના પર્વની પરંપરાગત અને ભાવસભર ઉજવણી કરી હતી. પોલીસનો આવો મિત્રતાપૂર્ણ અને સંવેદનશીલ ચહેરો જોઈને સંસ્થાના સંચાલકોએ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, આવા વિશિષ્ટ બાળકો સમાજનું એક અભિન્ન અંગ છે અને તહેવારોના સમયે તેમને આવી ખુશી આપવી એ આપણી સામાજિક જવાબદારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here