ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામ નજીક ઇખર-મેસરાદ કેનાલ માર્ગ પરથી 90 વર્ષીય વૃદ્ધનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વૃદ્ધનો મૃતદેહ આવી શંકાસ્પદ અને ગંભીર હાલતમાં મળી આવતાં અનેક સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઇખર ગામના કુંભારવાડી વિસ્તારમાં રહેતા મહોમદ યુસુફભાઈ પટેલનો મૃતદેહ ઇખર-મેસરાદ કેનાલ માર્ગ પરથી સળગેલી હાલતમાં મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ મથકના પીઆઈ આર.બી. કરમટીયા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની જાણ થતાં પરિવારજનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. વૃદ્ધના મોતના સમાચારથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી, જ્યારે ગામમાં પણ આ ઘટનાને લઈને અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.
સૌથી મોટો સવાલ એ છે કે 90 વર્ષીય વૃદ્ધનો જીવ કઈ રીતે ગયો અને તેમનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવવા પાછળનું સાચું કારણ શું છે? ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. 90 વર્ષીય વૃદ્ધના મોત પાછળનું રહસ્ય ક્યારે ઉકેલાશે અને પરિવારને હકીકત ક્યારે જાણવા મળશે, તે હવે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.





