આમોદ તાલુકામાં મંગળવારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ઝંઝોળી નાખે તેવી ગંભીર ઘટના સામે આવી છે. દાદાપોર ગામથી આમોદની શાહ એન.એન.એમ. ચામડિયા હાઈસ્કૂલમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને લઈ જતી મારુતિ વાન શાળા છૂટ્યા બાદ પરત ફરી રહી હતી ત્યારે રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં પલટી મારી જતાં ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્માતમાં આશરે 10 વિદ્યાર્થીઓ તેમજ એક વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત થયા હતા અને કાદવ-કીચડથી લથપથ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અકસ્માતમાં પ્રતિજ્ઞા ઠાકોર નામની વિદ્યાર્થીનીને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અન્ય વિદ્યાર્થીઓને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

ઘટના બાદ વિદ્યાર્થીઓએ સૌથી ગંભીર આક્ષેપ કર્યો કે વાનનો ડ્રાઇવર દારૂના નશામાં હતો અને નશાની હાલતમાં વાહન ચલાવતાં નિયંત્રણ ગુમાવી દીધું હતું. જોકે, ડ્રાઇવર ખરેખર નશામાં હતો કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી અને તે તપાસ તથા મેડિકલ પરીક્ષણ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાએ ખાનગી સ્કૂલ વાહનોની સલામતી વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છેરોજ બાળકોને લઈ જતાં વાહનોની ફિટનેસ, ડ્રાઇવરની લાયકાત, પરમિટ અને નશામુક્ત હોવાની ચકાસણી થાય છે કે નહીં? જો બેદરકારી સાબિત થાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી થશે કે નહીં? વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આમોદ તાલુકામાં દોડતા તમામ સ્કૂલ વાહનોની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.





