ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે એન્ટોલદાસ પ્રજાપતિના મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે, સ્થાનિક લોકોની સમયસૂચકતા અને ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઘટનાની વિગતો અનુસાર, શુકલતીર્થ ગામે આવેલા એન્ટોલદાસ પ્રજાપતિના ઘરમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મકાનમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.
આગની ગંભીરતા જોઈને આસપાસના સ્થાનિક યુવાનો તાત્કાલિક વહારે આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલાં જ આ બહાદુર યુવાનોએ ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને વધુ પ્રસરતી અટકાવી કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાન આ અંગે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા, ફાયર ફાઈટરના લાશ બંબા તાબડતોબ શુકલતીર્થ ગામે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી ઘરમાં લાગેલી આગને સદંતર કાબૂમાં લીધી હતી.
આ ભીષણ આગમાં ઘરવખરીને મોટું નુકસાન થયું હોવાની આશંકા છે, પરંતુ સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા કોઈ જાનહાનિ થઈ નથી, જેને પગલે પરિવારે અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ મકાનમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.





