વાગરા તાલુકાના ઓછણથી બદલપુરા થઈને ચાંચવેલ સુધીનો માર્ગ આજે માર્ગ નથી રહ્યો, પરંતુ વાહનચાલકો માટે જીવતા જાગતા યમદ્વારમાં ફેરવાઈ ગયો છે. ગણતરીના સમય પહેલાં જ જે રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, તે રોડ આજે બિસ્માર બનીને તંત્રના ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીની પોલ ખોલી રહ્યો છે. આ રસ્તા પર હવે સેન્ટીમીટરમાં નહીં પરંતુ ફૂટમાં માપી શકાય એટલા ઊંડા અને વિશાળ ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે. હાલત એટલી હદે વણસી ગઈ છે કે, નાની-મોટી કાર તો જાણે આખી ને આખી ખાડામાં ગરકાવ થઈ જાય તેવા જોખમી દ્રશ્યો સર્જાયા છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે દરરોજ સેંકડો વાહનચાલકો આર્થિક નુકસાન અને માનસિક યાતના વેઠવા મજબૂર બન્યા છે.

દહેજ-આમોદ હાઇવેનું કામ ચાલુ હોવાને કારણે તમામ નાના-મોટા વાહનો તેમજ ભારે માલવાહક ટ્રકો મુલેરથી ઓછણ, બદલપુરા અને ચાંચવેલ થઈને આમોદ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મૂળભૂત રીતે સિંગલ પટ્ટી ધરાવતા આ ગ્રાામીણ માર્ગ પર ક્ષમતા કરતા મસમોટા ભારદારી વાહનોનું સતત આક્રમણ થતાં આખો રોડ રીતસરનો વેરાન બની ગયો છે. ચોમાસાની ઋતુમાં આ ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકો માટે રોડ ક્યાં છે. અને ખાડો ક્યાં છે. તેનો અંદાજ લગાવવો અશક્ય બની ગયો છે.

રોજબરોજ અહીં ગાડીઓ ફસાઈ જવાની અને મોટી ગાડીઓ નમી પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. સૂકા દિવસોમાં પણ જ્યાંથી પસાર થવું મુશ્કેલ હતું, ત્યાં વરસાદી મોસમમાં તો વાહનચાલકો જાણે જીવ હથેળીમાં મૂકીને મુસાફરી કરવા મજબુર બન્યા છે.

સૌથી વધુ ભયાનક અને ચોંકાવનારી સ્થિતિ બદલપુરા નજીક આવેલા નાળાની છે, જ્યાં કોંક્રિટ ધોવાઈ જતાં રોડ પરથી રીતસરના લોખંડના સળિયા બહાર ઉપસી આવ્યા છે. આ સળિયા ગમે ત્યારે કોઈનું બાઇક કે ગાડી પંચર કરીને મોટા અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. શું માર્ગ અને મકાન વિભાગ કે વહીવટી તંત્ર આ માર્ગ પર કોઈ માસૂમનો જીવ જાય કે મોટો નરસંહાર થાય તેવા ભયાનક અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? નવીનીકરણના નામે સરકારી ચોપડે કરોડો રૂપિયાનું આંધણ કરી દેવાયું, પણ વાસ્તવિકતામાં પ્રજાને માત્ર ખાડા અને ખતરો જ મળ્યા છે.

જો તાત્કાલિક ધોરણે આ મરણતોલ બનેલા માર્ગનું મજબૂત રીપેરીંગ કે નવેસરથી યોગ્ય કામ કરવામાં નહીં આવે, તો સ્થાનિક પ્રજા અને વાહનચાલકોનો આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે તેમાં કોઈ બેમત નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here