ભરૂચ શહેરના ઉત્તર વિસ્તાર એટલે કે શક્તિનાથથી શ્રવણ ચોકડી અને તેની આજુબાજુના વિસ્તારોમાં રહેતા વૈષ્ણવો અને સમગ્ર હિન્દુ સમાજ માટે તાજેતરમાં એક અત્યંત ભક્તિમય અને ઐતિહાસિક અવસર યોજાઈ ગયો. વર્ષોથી પૂર્વ વિસ્તારમાં આવેલા વૈષ્ણવ મંદિરો સુધી જવામાં લાંબા અંતરની અગવડતા ભોગવતા ભક્તો માટે આ વર્ષનું આયોજન એક મોટો આશીર્વાદ સાબિત થયું છે. ભક્તોની આ સુવિધા અને આસ્થાને ધ્યાનમાં રાખીને, આ વર્ષે ભરૂચ પાંજરાપોળ ખાતે ઇતિહાસમાં પ્રથમવાર ગોવર્ધન પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્તર ભરૂચની મધ્યમાં આવેલી પાંજરાપોળના સુંદર અને હરિયાળા ગાર્ડનમાં આ ધાર્મિક ઉત્સવનું આયોજન કરાયું હતું. જ્યાં શ્રી ગિરિરાજજીને ગોવર્ધન પર્વતની ઉપર કલાત્મક રીતે બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ મનોહર દ્રશ્યના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા.
આ સમગ્ર પવિત્ર પૂજન વિધિનું આયોજન પૂજ્ય રાજુભાઈ મુખ્યાજીના પ્રેરણાદાયી માર્ગદર્શન અને સન્નિધ્ય હેઠળ શાસ્ત્રોક્ત પદ્ધતિથી સંપન્ન થયું હતું. તેમની નિશ્રામાં વૈષ્ણવોએ ભક્તિભાવપૂર્વક પ્રભુની આરાધના કરી હતી.
આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો દૂધની સેવા તેમજ વિવિધ સામગ્રી અને પ્રસાદની સેવામાં જોડાયા હતા. ઠાકોરજીને પ્રિય એવી વિવિધ સામગ્રીઓ સિદ્ધ કરીને ગિરિરાજ ધરણને અર્પણ કરવામાં આવી હતી.
આ સુંદર અને ભક્તિમય મનોરથનો લાભ ભરૂચના ખૂણે-ખૂણામાંથી આવેલા સમગ્ર હિન્દુ સમાજના ભાઈ-બહેનો તથા વૈષ્ણવ જનોએ લીધો હતો. ઉત્તર વિસ્તારના રહીશો માટે ઘરઆંગણે આવું સુંદર આયોજન કરવા બદલ ઉપસ્થિત તમામ ભક્તોએ ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપીનભાઈ ભટ્ટ તથા તેમની સમગ્ર કાર્યકર ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ ધાર્મિક મહોત્સવથી સમગ્ર પાંજરાપોળ સંકુલ શ્રીકૃષ્ણના જયઘોષ અને ભક્તિરસથી તરબોળ બન્યું હતું.





