નર્મદા જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ અને વિવાદ આખરે પ્રમુખની બદલી સાથે શાંત પડ્યો છે.
નર્મદા ભાજપને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. નર્મદા ભાજપ જિલ્લા પ્રમુખને સંગઠન તરફથી બદલવામાં આવ્યા છે. નર્મદા જિલ્લા ભાજપ સંગઠનમાં મોટા ફેરબદલ કરતા પક્ષ દ્વારા નીલ રાવના સ્થાને શબ્દશરણ તડવીને નવા જિલ્લા પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા છે. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે માજી પ્રમુખ નીલ રાવ સામે ગંભીર આક્ષેપો કરી ગાંધીનગર સુધી મોરચો માંડ્યો હતો, જે બાદ ભાજપ હાઇકમાન્ડે આ નિર્ણય લીધો છે.
પ્રદેશ ભાજપે નર્મદાની સાથે સાથે ડાંગ અને ભરૂચમાં પણ જિલ્લા પ્રમુખોની બદલી કરી છે. નવા પ્રમુખોમાં ડાંગમાં સુરેશભાઇ ચૌધરીની વરણી કરવામાં આવી છે, જ્યારે ભરૂચમાં પરેશભાઇ લાડને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખો અભિનંદન પાઠવ્યા છે.


નર્મદા જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ અને વિવાદ આખરે પ્રમુખની બદલી સાથે શાંત પડ્યો છે. પૂર્વ જિલ્લા પ્રમુખ નીલ રાવ પર સ્થાનિક સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે તેમની મનમાની અને અયોગ્ય વર્તણૂકને લઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. સાંસદ વસાવાએ નીલ રાવ સામે દારૂ અને જુગારના અડ્ડા ચલાવતા બુટલેગરો સાથે આર્થિક તથા અંગત સાંઠગાંઠ હોવાના સનસનાટીભર્યા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. આ મામલે સ્થાનિક નેતાઓએ ગાંધીનગર ખાતે મોવડીમંડળ સમક્ષ રજૂઆતો કરી હતી.

નવા પ્રમુખ તરીકે શબ્દશરણ તડવીની વરણી થતાં જ સાંસદ મનસુખ વસાવાએ સંતોષ વ્યક્ત કરીને પક્ષના નિર્ણયને આવકાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી ભરૂચ અને નર્મદા બંને જિલ્લાઓમાં પક્ષનું સંગઠન વધુ મજબૂત થશે અને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષને મોટો રાજકીય ફાયદો મળશે.

આ ફેરબદલથી નર્મદા ભાજપમાં ચાલતો આંતરિક ગૃહકલેશ પૂર્ણ થશે અને કાર્યકરોમાં નવો ઉત્સાહ સંચાર થશે. વહીવટી પારદર્શિતા લાવવા અને આગામી વિધાનસભા ચૂંટણી 2027 લક્ષી વ્યૂહરચનાને આ નિર્ણયથી વધુ બળ મળશે તથા વિસ્તારમાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here