ભરૂચ જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ગામે સરકારી જમીન પર ત્રીજી વખત ગેરકાયદેસર દબાણ કરવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કાયદા અને વ્યવસ્થાની ખુલ્લેઆમ ધજીયા ઉડાવી સરકારી તંત્રને પડકાર ફેંકતા આ તત્વો સામે હવે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

2008માં દબાણ હટાવાયા બાદ ફરી તબક્કાવાર પચાવી પાડી જમીન
મળતી માહિતી મુજબ, વર્ષ 2008માં તંત્ર દ્વારા આ જ સરકારી જગ્યા પરથી ગેરકાયદેસર સ્નાનગૃહ/દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જો કે, ત્યાર બાદ હરિભાઈ ભગવાનભાઈ પટેલ નામના દબાણકર્તાએ કાયદા-કાનૂનની કોઈ પણ બીક રાખ્યા વિના, સ્થાનિક અધિકારીઓને કથિત રીતે ગજવે ઘાલીને (સાધી લઈને) ફરીથી તબક્કાવાર આ કિંમતી સરકારી જમીન પચાવી પાડવાનું શરૂ કરી દીધું છે. કાયદાની ઐસીતૈસી કરીને બેફામ ફરતા આ દબાણકર્તાની નફ્ફટાઈ સામે હવે ગામલોકોનો પિત્તો ગયો છે.

CMના કડક આદેશો છતાં તંત્ર કેમ મૌન? FIR કરવા માંગ
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સરકારી જમીનો પચાવી પાડનારા ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાના સ્પષ્ટ આદેશો અપાયેલા છે. ત્યારે શુક્લતીર્થના જાગૃત અરજદારો અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે, મુખ્યમંત્રીના આદેશ મુજબ આ નફ્ફટ દબાણકર્તા સામે તાત્કાલિક ધોરણે FIR દાખલ કરવામાં આવે. આ સાથે જ સરકારી નિયમો અનુસાર જમીનની કિંમતના 25 ટકા લેખે પેનલ્ટી સહિતની કડક વસૂલાત કરવામાં આવે તે જ એક માત્ર વિકલ્પ બચ્યો છે.

બાંકડા હટાવી સરકારી મિલકત તાકીદે ખુલ્લી કરવા આગ્રહભરી અરજ
સ્થાનિક રહીશોએ ભરૂચ જિલ્લા કલેક્ટર અને સંબંધિત વહીવટી તંત્ર સમક્ષ આગ્રહભરી વિનંતી કરી છે કે, આ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ગોઠવી દેવામાં આવેલા તમામ બાંકડા અને અન્ય દબાણો તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવે. પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થની સરકારી મિલકતને આવા તત્વોના સકંજામાંથી મુક્ત કરાવી તંત્ર પોતાની તાકાત બતાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે ભરૂચનું જિલ્લા વહીવટી તંત્ર આ રીઢા દબાણકર્તા સામે ક્યારે લાલ આંખ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here