•૧ વર્ષ પૂર્વે પણ છોકરીના ઘરે જવા બાબતે આ યુવાને માર મરાયો હતો.
અંકલેશ્વરના કાપોદ્રા ગામે ૨૫ વર્ષીય યુવાન સાથે છોકરી સાથે પ્રેમ છે ની શંકાએ થયેલ બોલાચાલી માં યુવાન પર ૭ જેટલા ઇસમોએ ચપ્પુ વડે હૂમલો કરવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના મૂળ રવિદ્રા ગામનો રહેવાસી અને કાપોદ્રા ગામે ભાડાના મકાનમાં રહી નોકરી કરતા ૨૫ વર્ષીય યુવાન સંજય શાંતીલાલ વસવા આજે સાંજે નોકરી ઉપરથી આવી ઘરે જમીને માવો ખાવા પાનના ગલ્લે ગયો હતો. જ્યાંથી પરત આવી ઘરમાં બેઠો હતો.ત્યારે અચાનક ગામના જ સોહીલભાઇ, હરેશ દશરથ,સોમા દશરથ, મયુદ્દીન સલીમ, સતીષ વિજયાભાઇ, સુનીલ ઉસ્તાક અને કેસુર અરવિંદના કુલ ૭ જેટલા લોકોએ ભેગા મળી સંજયના ઘરે ધસી આવી સંજય સાથે ૧ વર્ષ પૂર્વે થયેલ છોકરી બાબતે ઝઘડાની રીશે ફરી બોલાચાલી કરી હતી.
આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સાતેવ જણાએ ભેગા મળી ઉશ્કેરાઇ જઈને સંજય કંઇ સમજે તે પહેલા જ તેના માથામાં ઇંટ મારી સાથે ચપ્પુ વડે ઉપરા છાપરી ઘા ઝિંકી દીધા હતા અને ત્યાર બાદ સંજયને બહાર ફેંકી સંજયના ઘરનાને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.આ ઘટનામાં સંજયને ગંભીર ઇજાઓ પહોંચતા તેના ઘરના તેને ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પીટલ લાવ્યા હતા. જ્યાં હાજર તબીબે સંજયને મૃત જાહેર કર્યો હતો.ઘટનાની ભરૂચ સિવિલ હોસ્પીટલમાંથી વર્ધી જતા અંકલેશ્વર રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.