•હાઈવે ઓથોરિટીના દક્ષિણ ગુજરાતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા
•પોલીસે મામલો થાળે પાડ્યો
અંકલેશ્વરના દિવા ગામે ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે કામગીરી અટકાવવા ખેડૂતોએ રસ્તો બ્લોક કરી દીધો હતો. જિલ્લા કલેકટરની કોર્ટમાં 854 રૂપિયા ભાવ ચૂકવવાનું નક્કી કરાયા બાદ એન.એચ.આઈ તેને પડકારવાની નિર્ણયને લઈને ખેડૂતો રસ્તા પર આવ્યા હતા. કલેકટરે છ મહિના પહેલા જજમેન્ટ આપવા છતા ચુકવણું નહીં થતા ખેડૂતો દ્વારા રસ્તો ખોદી નાંખી કામ બંધ કરાવ્યું હતું.
નેશનલ હાઈવે દક્ષિણ ગુજરાતના એન.એચ.આઈ અધિકારી પણ સ્થળે પહોંચ્યા હતા. પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર મામલો કલેક્ટર કચેરી પહોંચતા બે દિવસમાં નિવેડો લેવાની બાંહેધરી આપવામાં આવી હતી.
અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે દ્વારા દિવા ગામના હદમાં સુપર ફાસ્ટ હાઇવેનું નિર્માણ કરી રહ્યા છે. જેમાં મહામૂલી જમીન ગુમાવનાર ખેડૂતો દ્વારા વળતર ના મુદ્દે દોઢ વર્ષની લડત બાદ અંતે છ મહિના પૂર્વે જિલ્લા કલેકટર ની આર્બિટ્રેટર કોર્ટમાં કેસ માં ખેડૂતોને ન્યાય મળે તેવા ઉદ્દેશ્ય સાથે રૂપિયા 854 ભાવ મુજબ ચુકવણું કરવાનું હાઇવે ઓથોરિટી હુકમ કર્યો હતો. જે હુકમ ને આજે છ મહિના વીતી ગયા છતાં વળતર ચૂકવવામાં આવ્યું નથી. વલસાડ-નવસારી માં ખેડૂતો એ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે.
ત્યારે ભરૂચ જિલ્લા આજ દિન સુધી આપવામાં આવ્યું નથી અને હવે હાઇવે ઓથોરિટી દ્વારા હવે કલેકટર ના હુકમ ને ઉપલી કોર્ટમાં પડકારવા માટે ઉપલી કોર્ટ ના દરવાજા ખટખટાવ્યા જઈ રહ્યા છે તેની જાણ ખેડૂતોને થતા અંકલેશ્વર દિવા ગામના ખેડૂતો દ્વારા પુનઃ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે ના ડગ માંડ્યા હતા. અને આજરોજ દીવા ગામ ખાતે ખેડૂતો દ્વારા કામગીરી તરફ જતા માર્ગ બંધ કરી દીધા હતા. જેની જાણ તાલુકા પોલીસ મથકે થતા પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે ખેડૂતો દ્વારા પ્રથમ તો તેમને પણ અટકાવ્યા હતા.
આ વચ્ચે એન.એચ.આઈ ના દક્ષિણ ગુજરાત ના ટેક્નિકલ હેડ સિદ્ધાર્થ ભાઈ સહીત અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે રકઝક વચ્ચે પોલીસ ની દરમિયાનગીરી થી સ્થળ પર મામલો થાળે પડ્યો હતો અને તમામ અધિકારીઓ તેમજ ખેડૂતો ભરૂચ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં હાઇવે ઓથોરિટી દ્વારા બે દિવસનો સમય માગ્યો હતો અને મામલાનો નિવેડો આવે તેવી જિલ્લા કલેક્ટર સમક્ષ બાંહેધરી આપી હતી. જો કે ખેડૂતો દ્વારા આ મુદ્દે જ્યાં સુધી વળતર ન ચૂકવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ વ્યક્ત કરાય હતી.