The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 57

લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાની સાયન્સ ડ્રામા ફેસ્ટિવલનું આયોજન કરાયું

ગુજકોસ્ટ સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર- DSC ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાની સાયન્સ ડ્રામા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, અતિથિ વિશેષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના ચેરમેન ઇન્દિરાબેન રાજ, તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, ચેરમેન કિર્તી જોષી હાજર રહ્યા હતા.

ડ્રામાનો મુખ્ય વિષય માનવ કલ્યાણના લાભો માટે વિજ્ઞાન અને પ્રોધોગિક હતો. જેના ચાર અલગ અલગ પેટા વિષયો પર ભરૂચ જિલ્લાની ૭ જેટલી શાળાના ૫૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  જેમાં પ્રથમ ક્રમાંકે રુકમણીદેવી રૂગંટા વિદ્યાલય-ભરુચ,  દ્રિતીય ક્રમાંકે  શબરી વિધ્યા પિડમ-ઝાડેશ્વર અને તૃતીય ક્રમે બી.એચ.પંડ્યા સ્કુલ-ઝાડેશ્વર રહ્યા હતા. કાર્યક્ર્મમાં નિર્ણાયક તરીકે સંદીપ કુલકર્ણી અને મોનીબેન વખારિયા એ સેવા આપી હતી. ડ્રામા માં ભાગ લેનાર તમામ વિધ્યાર્થી તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકને પ્રમાણપત્ર અને વિજેતાઓને મહેમાનશ્રીઓના હસ્તે પારિતોષિક, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના કો-ઓર્ડિનેટર કેશા પ્રજાપતિ એ કર્યું હતું. પ્રથમ ક્રમાંકે આવનાર રૂકમણીદેવી રૂગંટા વિદ્યાલય-ભરૂચના વિદ્યાર્થીઓ આગામી સમય માં રાજ્ય કક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

સારોદના ૩ આરોપીઓને ૫ વર્ષની કેદની સજા ફરમાવતી ભરૂચ સેશન્સ કોર્ટ

કેસની ટૂંકમાં વિગત એવી છે કે વર્ષ ૨૦૧૬માં ફરિયાદી હરિસિંહ ખુમાનસિંહ મહિડા રહેવાસી સારોદ, તા. જંબુસર, જી, ભરૂચ નાઓ રાત્રિના ૮.૪૫ ક્લાકે આરોપી ઘનશ્યામસિંહ ના ઘર પાસેથી જતાં હતા તે વખતે તેમણે અને તેમની પત્ની એ અપમાન જનક શબ્દો ફરિયાદીને બોલેલા, જેથી ફરિયાદી તેઓના ઘરે જઇ આ બાબતે તેમના ઘરના સભ્યોને વાત કરતાં તેઓ બધાં આરોપીના ઘરે આ બાબતે કહેવા ગયેલા.

તે વખતે ત્યાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ આરોપી કકિ દિલિપ સિંહ સિંધા, નરેન્દ્રસિંહ દિલીપસિંહ સિંધા તથા દિલીપસિંહ બળવંતસિંહ સિંધી નાઓએ લાકડીઓ વડે ફરિયાદી અને તેમના પિતા ને માર મારેલ. તેમાં ફરિયાદીના પિતા ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલી હોય તેઓને પ્રથમ જંબુસર દવાખાને અને ત્યાર બાદ એસ.એસ જી. હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવેલ.

આ કેસમાં ફરિયાદીની ફરિયાદ બાદ તપાસના અંતે ચાર્જશીટ રજૂ થતાં કેસ ભરૂચ સેશન્સ કોર્ટમાં ચાલવા અર્થે આવેલ. જે કેસમાં પ્રથમ તે વખતના સરકારી વકીલ જી. આર. પરમારે હાજર થઈ કેટલાક સાક્ષીઓની જુબાનીઓ લીધેલ. ત્યારબાદ તે કેસ મદદનીશ જિલ્લા સરકારી વકીલ અને વધારાના પબ્લિક પ્રોસિક્યુટર આર. જે. દેસાઈ પાસે ચલાવવા માટે આવતા તેઓએ તે કેસ ચલાવી અંતમાં દલીલો કરેલ. દલીલોના અને પાંચમા એડિશનલ સેશન્સ જજ જી. ડી. યાદવે આ ત્રણેવ આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૬ અને ૩૪ હેઠળ તકસીરવાર ઠેરવી તમામ આરોપીઓને ૫ વર્ષની કેદ અને રૂ. ૫૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૩ માસની કેદનો હુકમ તારીખ ૨૮.૦૯.૨૦૨૨ ના રોજ ફરમાવેલ છે.

ઉમરપાડા ખાતે પુત્રને ન્યાય આપવા મામલતદારને પાઠવવામાં આવ્યું આવેદન

વાડવા ગામના વતની વસાવા રમેશભાઈ શાંતિલાલ ના પુત્ર સંજયભાઈ રમેશભાઈ વસાવા જેવો ધોરણ 12 ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી ખાતે અભ્યાસ કરતો હતો જેનું તારીખ 19,09, 2022 બાદ આકસ્મિક ગુમ થયા બાદ કેવડી નજીક શરદા ગામના જંગલમાં મૃતદેહ મળી આવતા પોલીસ સ્ટેશન ઉમરપાડા ખાતે હત્યાનો બનાવ અંગે ફરિયાદ કરવામાં આવેલ છે તથા જિલ્લા પોલીસ અધિકારીમાં પણ અપીલ ફરિયાદ કરવામાં આવેલ છે.

તે સંદર્ભે સંજય ના પિતા રમેશભાઈ ને ન્યાય મળે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે માટે ગામના આગેવાનો અને સર્વે ગ્રામજનો દ્વારા તારીખ 03,10, 2022 ના રોજ ઉમરપાડાના બસ ડેપો થી રેલી કાઢવામાં આવી હતી જેમાં ખુબજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના લોકો ઉમટી પડ્યા હતા  અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરવામાં આવી હતી.

તેમજ આદિવાસી સમાજમાં અનુસૂચિત વિસ્તારમાં આવા બનાવો વારંવાર ન થાય અને ખાસ શૈક્ષણિક સંસ્થાઓમાં આવા અમાનવીય બનાવો ન બનવા જોઈએ  કારણ કે આદિવાસી સમાજ પોતાના બાળકોને શૈક્ષણિક રીતે આગળ આવે એ હેતુસર સ્કુલોમાં મોકલે છે તેથી આદિવાસી સમાજના શૈક્ષણિક તથા રક્ષણાત્મક રીતે આદિવાસી ભણતા બાળકો યુવક યુવતી ને સુરક્ષા પુરી પાડો અને સ્વ સંજયભાઈ રમેશભાઈ વસાવાની ન્યાય આપો અને કાયદેસર ની કાર્યવાહી આરોપીઓ વિરુદ્ધ થાય એ જ માંગ સાથે ઉમરપાડા મામલતદાર  ને કલેકટર, માનનીય રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,ઉમરપાડા

દેડીયાપાડાના ગાજરગોટા ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં તંત્ર અસમર્થ!

દેડીયાપાડા તાલુકામાં આવેલ ગાજરગોટા ગામમાં ઘણા વર્ષો પહેલા વાસ્મો દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે, પરંતુ એ પાણીની ટાંકી માં અત્યાર સુધીમાં એક પણ પાણીની ટીપુ  ભરવામાં આવ્યું નથી અને જો પાણી ભરવામાં આવે તો કોઈ મોટી જાનહાની થવાની શક્યતા સેવાઈ રહી છે કેમકે આ પાણીની ટાંકી નું કામ એકદમ તકલાદી રીતે થયું છે એ પાણીની ટાંકીને સામાન્ય રીતે હલાવવાથી આખી ટાંકી હલિયા કરે છે સરકાર આવા પ્રોજેક્ટ બનાવીને લોકોના ટેક્સના  નાણા નો દૂર ઉપયોગ થતો હોય તો આવા પ્રોજેક્ટ માં તંત્ર દ્વારા બરાબર દેખરેખ રાખીને આમ નાગરિકની સુખાકારીમાં વધારો થાય એવા પ્રયત્ન કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે એજ વાસ્મો પ્રોજેક્ટની ખરાબ ટાંકીને ફક્ત કલર કામ કરીને ફરીવાર નલ સે જલ યોજના દ્વારા ઘરે ઘરે પાણી પોહચાડવાં માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે, પરંતુ ખરાબ ટાંકી હોવા ના લીધે એમાં પાણી ભરી શકતા જ નથી તેથી જેતે નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે એટલેજ હજુ સુધી પણ નલ સે જલ યોજના થકી ગાજર ગોટા ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં તંત્ર અસફળ સાબિત થયું છે.

આવી બધી યોજનાઓ અને પ્રોજેક્ટોમાં ઉચ્ચ સ્તરીએ તપાસના આદેશ થાય તો મસમોટા કોભાડો બહાર આવે તેવી શક્યતા છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

ગ્રાહકોની એેન્ટ્રી ના કરતા ભરૂચમાં 3 હોટલના ત્રણ મેનેજરો સામે ગુનો નોંધાયો

ભરૂચ જિલ્લામાં આગામી 10 ઓક્ટોબરના રોજ એક તરફ પીએમ મોદીના કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે ભરૂચમાં એસઓજી દ્વારા વિવિધ હોટલો અને ગેસ્ટહાઉસ સહિતના આશ્રય સ્થાનોમાં ચેકીંગ કર્યું હતું. જેમાં શહેરમાં 3 આશ્રય સ્થાનોમાં સંચાલકો દ્વારા પોલીસ દ્વારા અપોલાં પથિક સોફ્ટવેરમાં તેમના ગ્રાહકોની એેન્ટ્રી કરી ન હોવાનો ઘટસ્ફોટ થતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ભરૂચ શહેર જિલ્લામાં કોઇ પણ વ્યક્તિ કોઇ મોટી ગુનાઇત પ્રવૃત્તિને અંજામ આપવાના ઇરાદે જિલ્લામાં કોઇ પણ સ્થળે રોકાણ કરવાની શક્યતાઓ હોય છે. ત્યારે આવા શકમંદોને તુરંત ઓળખી શકાય તેમજ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી શકાય તેમ માટ જિલ્લામાં આવેલી દરેક હોટલ-ગેસ્ટ હાઉસ તેમજ મુસાફર ખાનામાં ભરૂચ પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.

દરમિયાનમાં 10મી ઓક્ટોબરના રોજ ભરૂચના જંબુસર ખાતે પીએમ મોદીના કાર્યક્રમને લઇને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પોલીસ વિભાગ પણ સુરક્ષા કારણોસર વધુ ચોક્કસ બન્યું છે. ભરૂચ એસઓજીની ટીમ દ્વારા શહેર-જિલ્લાની હોટલો, ગેસ્ટહાઉસ, મુસાફરખાના સહિતના આશ્રય સ્થાનોનું ચેકિંગ હાથ ધર્યું છે.

જેમાં ટીમ દ્વારા આશ્રયસ્થાનમાં રોકાયેલાં ગ્રાહકો અંગેની વિગતો પોલીસ વિભાગના પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી થઇ છે કે કેમ તેની તપાસ કરતાં શહેરના સ્ટેશન સર્કલ પાસેની હોટલ શ્રીપ્લાઝા, ફલશ્રુતિ નગર પાસેની સવાનિકા ગેસ્ટહાઉસ તેમજ અંજુમને ઇસ્લામિક મુસાફરખાનામાં ચોક્કસ એન્ટ્રીઓ કરવામાં આવી ન હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે ટીમે ત્રણેય આશ્રયસ્થાનોના મેનેજરો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

ભરૂચમાં ગરીબી કરાવે મજૂરી અને અમીરી કરાવે શોખની ઉક્તિ થઈ સાર્થક !

ભારત દેશમાં આજે પણ નસીબનો હવાલો આપી અમીરી અને ગરીબીની ભેદરેખા પર લોકો ચુપકી સાધી બેઠા છે. હાલ ચાલી રહેલ નવરાત્રીના તહેવારમાં માતાના ગરબે જુમવા અવનવા ડિઝાઇન અને કલરના કપડાં અને તેને લગતી સામગ્રીની ખરીદી કરવામાં આવી તેમજ મોટા મોટા ગરબા ગ્રાઉન્ડ પર રૂપિયા ખર્ચી ગરબા ગાવા જતા નજરે પડે છે.

બીજી તરફ આર્થિક બોજા સાથે જીવતા લોકો તહેવાર ઉજવવા કે નહીં તેની ચિંતા કરતાં અને પેટિયું રળતા જોવા મળે છે. અમીર અને ગરીબીની ભેદરેખા દેશ આઝાદ થયા બાદ મોદી સરકારની અમૃત કાળ દરમિયાન પણ દૂર થઈ નથી. અમીરોના બાળકો બ્રાન્ડેડ કપડાં અને પગે હજારો રૂપિયાના જુતા પહેરી લાખો રૂપિયાની મોટરગાડીમાંથી ઉતરી એસ.સી. રેસ્ટોરન્ટમાં જંક ફૂડ આરોગતાં જોવા મળે છે.

તો બીજી તરફ ગરીબી રેખા તળે જીવતાં બાળકો માટે અંગ ઢંકાઈ તે માટે વસ્ત્ર અને પગે પહેરવા ચપ્પલ મળે તો ઠીક અને ના મળે તો પણ ઠીક જ્યારે કે એક વખતના જમવાનું મળશે કે નહીં તેની ચિંતામાં રહેતાં હોય છે. આખો દિવસ આકરી મહેનત કરીને પણ ભરપેટ જમવાનું ન મળતું હોય અને બીજી તરફ રેસ્ટોરન્ટમાં અડધું જમવાનું બાકી મૂકી ઉઠી જતાં લોકો જોવા મળે છે. ત્યારે આવી અમીર અને ગરીબીની ભેદરેખા વચ્ચે ઝાડેશ્વર ગામના મોટા તળાવની પાળે બે બાળકો માથા પર સામાનનું એક મોટું પોટલું માથે એકસાથે ઊંચકી જતા નજરે પડયા હતા.

ભાઈ-બહેન જેવા બાળકોમાં બહેનના પગતળિયે ચંંપલ પણ જોવા મળ્યા ન હતા. ત્યારે પગે વાગતાં કાંકરા કરતા પણ વધુ મજબૂત મનોબળ સાથે જીવતા ગરીબોની સહન શક્તિ વિકસિત રહેતી હોય છે. આવા ગરીબ બાળકોની મદદે તંત્ર કે સંસ્થા આગળ આવે તે જરૂરી બની રહ્યું છે.

ભરૂચ કોંગ્રેસના કદાવર નેતા મહેન્દ્રસિંહ રાજ 16 ગામોનાં 300થી વધુ આગેવાનો સાથે ભાજપમાં જોડાયા

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના વધુ એક કદાવર નેતા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે 20થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસને છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરતા કોંગ્રેસ ચૂંટણી પહેલા જ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

વાગરા વિધાનસભા બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની રહી છે. વાગરા તાલુકાના સાયખા ખાતે ભરૂચ જિલ્લા ભાજપનું જન સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની હાજરીમાં કોંગ્રેસના કદાવર આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ, સાયખાના સરપંચ જયરાજસિંહ રાજ, દુધધારા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન હેમંતસિંહ રાજ, વાગરા તાલુકા પંચાયતના સભ્ય મુબારક પઠાણ અને કોંગ્રેસના આગેવાન યુનુસ સરપંચ સહિત 16 ગામોના આશરે 300થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમને કેસરીયો ખેસ પહેરાવી ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ આવકાર્યા હતા.

ભરૂચ વાસ્મોના 350 જેટલા કર્મચારીઓ-પાણીવીરોએ ઉગામ્યું વિરોધ પ્રદર્શનનું શસ્ત્ર

ગુજરાત રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં ઘરે ઘરે નળ કનેક્શન થકી પાણી પહોંચાડવાની ભગીરથ કામગીરી કરી રહેલા,વાસ્મો –(પાણી પુરવઠા) વિભાગના કર્મચારી-પાણીવીરો છેલ્લા એક માસથી તેમની વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વાસ્મોના કર્મચારીઓ-કર્મયોગીઓને -વાસ્મોની સ્થાપના સમયે વર્ષ 2002 થી જ તેમને ખરેખર મળવા પાત્ર હક્કો લાભ આપવામાં તેમનો વિભાગ તૈયાર ન હોવાથી ન છૂટકે આજે 20 વર્ષે 350 જેટલા કર્મચારીઓ-પાણીવીરો એ વિરોધ પ્રદર્શનનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે.

કર્મચારીઓના હિત માટે વાસ્મો વિભાગ દ્વારા બનાવેલ “વાસ્મો સર્વિસ મેન્યુઅલ-2002”નો અમલ કરવામાં તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે. આ સર્વિસ મેન્યુઅલમાં કર્મચારીઓના પગાર ધોરણ,હોદ્દા અપગ્રેડેશન, પીએફ, ગ્રેજ્યુએટી જેવા લાભો આપવાની વાત હતી. જે આજે 20 વર્ષે પણ હવામાં જ રહી ગઈ છે.

આ ઉપરાંત કર્મચારીઓને છેલ્લા ત્રણથી વર્ષોથી પગાર વધારો સ્થગિત કર્યો હોય, આ મુદ્દો કર્મચારીઓના વિરોધનું મુખ્ય કારણ બન્યો છે.આ બાબતે કર્મચારીઓ દ્વારા જિલ્લાના સ્થાનિક હોદ્દેદારોથી લઈ ધારાસભ્યઓ, સંસદસભ્યઓ, મંત્રીઓ અને મુખ્યમંત્રી સુધી તેમની રજૂઆતો/ભલામણો કરવામાં આવી છે, પરંતુ દરેક જગ્યાએથી માત્ર સાંત્વના જ મળેલ હોય કોઈ નક્કર ખાતરી આપી કે માંગણી સ્વીકારવામાં આવેલ નથી.

કર્મચારીઓ દ્વારા વિભાગ સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી, પેન ડાઉન કાર્યક્રમ આપ્યો,માસ સી.એલ. પર રહ્યા ત્યારબાદ છેલ્લા ૨૦ દિવસથી  કચેરીના કામથી અચોક્કસ મુદત સુધી અળગા રહ્યા હોવા છતાં હજુ સુધી કોઈ નિવેડો આવેલ ન હોય,કર્મચારીઓ 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતી થી લડત આગળ ધપાવવા અને વધુ આક્રમક પગલાંઓ જેવા કે કચેરીનો ઘેરાવ કરવો, ધરણા કરવા જેવા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.

ગુજરાત સરકારના આયોજન મુજબ “નલ સે જલ” ની કામગીરી વાસ્મો ના પાણીવિરો દ્વારા 98% પૂર્ણ કરવામાં આવેલ છે, પરંતુ હાલ વાસ્મો નાં કર્મચારીઓ પાણીવીરો નજીવી માઞ માટે હડતાલ પર ગયેલ હોયશું મુખ્યમંત્રી એમના કાર્યકાળ દરમિયાન ગુજરાતને ૧૦૦% નળ જોડાણ ધરાવતા રાજયની ઘોષણા થી દૂર રહી જશે?

આમોદના મછાસરા પાસે એક્ટિવા અને બાઇક સામસામે ભટકાતા બે ગંભીર

આમોદ તાલુકાના મછાસરાથી જી.જી.એસ. ૨૫૩ જવાનો માર્ગ ઉપર ગાંડા બાવળ હોવાના કારણે એકટીવા અને બાઇક સામસામે ભટકાતા બંને ચાલકોને ગંભીર ઇજા થતાં તેમને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રીફર કરાયાં હતા.

આમોદ તાલુકાના મછાસરા ગામેથી રોજાટંકારીયા તરફ જવાના રસ્તા ઉપર જી. જી.એસ.૨૫૩ રોડ ઉપર ગાંડાબાવળ વધુ હોવાના કારણે રોજા ટંકારીયા તરફથી આવતી બાઈકના ચાલક સુરેશભાઈ રહે અંભેલ. મછાસરા તરફથી આવતી એકટીવાના ચાલક સિદ્દીક પટેલની એકટીવાને ધડાકાભેર સામ સામે ભટકાયા હતાં.જેના કારણે બંને ચાલકોને ગંભીર રીતે ઇજા થતાં ૧૦૮ દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે સુરેશને ભરૂચ સિવિલ ખાતે રિફર કરવામા આવ્યો હતો.જ્યારે સિદ્દીકને વડોદરા સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.

  • રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

વાગલખોડ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ

૨,ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી જન્મ જયંતીની ઉજવણી પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે કરવામાં આવી હતી, જેમાં સરકારના પરિપત્ર મુજબ મુખ્યમંત્રી ગ્રામ્ય અસ્મિતા નિબંધ લેખન માં 15 થી 30 વર્ષના યુવાનોએ ભાગ લીધો તેમજ પૂજ્ય બાપુના ફોટાને ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સભ્યો શાળાના શિક્ષકો અને બાળકોએ ફૂલ અર્પણ કર્યા તેમજ સુતરની આંટી ચડાવી પૂજ્ય બાપુની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી કમળાબેન.યુ.વસાવા ડેપ્યુટી સરપંચ રમીલાબેન, ગ્રામ પંચાયત સભ્ય કૌશલ્યાબેન, શાળાના શિક્ષક કાલિદાસભાઈ, જશુબેન, મધ્યાન ભોજન સંચાલક પ્રેમીલાબેન, શાળાના બાળકો ઉપસ્થિત રહી બાપુજીની ૧૫૨ મી જન્મ જયંતી ખૂબ ધામધૂમથી ઉજવી હતી, તેમજ ચોકલેટ વહેંચી અને શાળાની દીકરીઓએ બાપુના ફોટા સમક્ષ સત્યના માર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ શાળાના આચાર્ય શ્રી કાલિદાસભાઈએ પૂજ્ય બાપુના જીવનના પ્રસંગો વિદ્યાર્થીઓને કહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,વાલિયા
error: Content is protected !!