The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 110

ભરૂચ જીલ્લાનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ 22માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લાનું 68.12 ટકા પરિણામ જાહેર થયું છે.

બે વર્ષથી કોરોનાના કારણે પરીક્ષાઓ રદ્દ કરવામાં આવતી હતી.ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડ્યું હોય તેમ આજે ધો. 12 વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલા પરિણામો પરથી લાગ્યું હતું. ભરૂચ જીલ્લાનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 68.12 ટકા પરિણામ જાહેર થયું હતું જેમાં ચોંકાવનારી વાત એ હતી કે A-1 ગ્રેડમાં જીલ્લામાં માત્ર 7 વિદ્યાર્થીઓ આવ્યા હતા.

ભરૂચ જીલ્લાના ગ્રેડ વાર પરિણામ ઉપર નજર કરીએ તો A-1માં 7, A-2માં 54, B-1માં 204, B-2માં 322, C-1માં 499, C-2માં 590 જયારે ડી ગ્રેડમાં 147 વિદ્યાર્થીઓ આવ્યા હતા. જીલ્લામાં કુલ 2688 વિદ્યાર્થીઓ નોંધાયા હતા આજે પૈકી 2676 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1823 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આજરોજ સવારે 10 કલાકે ઓનલાઈન પરિણામ જાહેર થયા હતા. અને હવે બાદમાં પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા શાળાઓ દ્વારા હાથ ધરવામાં આવશે.

ભરૂચમાં અંત્યોદય થકી સર્વોદય-ઉત્કર્સ સમારોહ યોજાયો

  • ભરૂચમાં સામાજિક સુરક્ષાની ચાર યોજનાના સો ટકા-૧૩ હજાર જેટલા લાભાર્થીઓને આવરી લેવાની દેશમાં પહેલરૂપ સિદ્ધિ – વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

સરકારી યોજનાને સો ટકા પરિપૂર્ણ કરવાના વડાપ્રધાને આપેલા કોલનો પ્રતિસાદ આપતા  ભરૂચ જિલ્લા પ્રશાસન દ્વારા શરૂ કરાયેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત સામાજીક સુરક્ષાની મુખ્ય ચાર યોજનાના સો ટકા લાભાર્થીઓને લાભ વિતરણ કરવાના ભરૂચ ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલ સહભાગી બન્યા હતા.

જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ હેઠળ ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનામાં દેશમાં સૌ પ્રથમ વખત ૧૦૦ ટકા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ભરૂચ ખાતે આવી યોજનાઓના કુલ ૧૩ હજાર લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાને સંવાદ પણ કર્યો હતો.વડાપ્રધાન મોદીએ ભરૂચ સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા કહ્યું કે, એક જમાનામાં ભરૂચમાં રસ્તા ઉપર રેંકડી લઇ ચાલો તો તેમાંથી વસ્તુ નીચે પડી જાય એવી સ્થિતિ હતી. આજે તે જ ભરૂચ યુવાનોના સપના અને આકાંક્ષાઓનો જિલ્લો બની ગયો છે. મા નર્મદા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી ભરૂચ અને રાજપીપળા જિલ્લાની વૈશ્વિક ઓળખ બની છે. ઔદ્યોગિક વિકાસ સાથે ફ્રેઇટ કોરિડોર, બૂલેટ ટ્રેઇન, એક્સપ્રેસ વેની સુવિધા મળતા ભરૂચને મોટો લાભ થશે. બ્લ્યુ ઇકોનોમીમાં ભરૂચ જિલ્લો મહત્વનું યોગદાન આપી શકે છે. ભાડભૂત બેરેજ યોજનાથી ભરૂચને ફાયદો થશે.

ભરૂચની દૂધધારા ડેરી દ્વારા જિલ્લાના ૫૪૦૦ કુપોષિત બાળકોને પોષણક્ષમ બનાવવા અપાનારા ચણા, મગ અને દૂધનું મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.પ્રારંભમાં કલેકટર તુષાર સુમેરાએ સૌનો આવકાર કરતા જણાવ્યું કે સમાજ ઉત્કર્ષના આ યજ્ઞમાં ગરીબોના ઉત્કર્ષથી અંત્યોદય થકી સર્વોદયની વિભાવના ભરૂચ જિલ્લાએ સાકાર કરી છે.

આ પ્રસંગે સાંસદ સી. આર. પાટીલ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, મુખ્ય સચિવ પંકજ કુમાર, પદાધિકારીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ સહિત નાગરિકો અને ભાજપીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દહેજના વડદલા ગામે રોયલ રેસીડન્સી સામે જાહેરમાં જુગાર રમતા ૨ ઝડપાયા

દહેજ પોલીસ ટીમ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળેલ કે, વડદલા ગામે રોયલ રેસીડન્સી જવાના રોડની સામે મારૂતી સુઝુકી કંપનીની બે ફોરવ્હીલ ગાડી રોડ ઉપર રાખી બાવળીયાની પાછળ ખુલ્લી જગ્યામા કેટલાક ઈસમો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે.

જેથી મળેલ બાતમી આધારે ખાનગી વાહનમાં બેસી બાતમીવાળી જગ્યાએ પોલીસ ટીમે છાપો મારતા કેટલાક ઇસમો કુંડાળુ વળી પત્તા પાના વડે જુગાર રમતા મળ્યા હતા. પોલીસે  જગ્યા ઉપરથી બે ઇસમો ઈમ્તીયાજ અનવરભાઈ કુરેશી ઉ.વ-૩ર રહે-મકવાણા ફળીયુ વડદલા તા.વાગરા જી ભરૂચ  અને ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ઉ.વ-૩૨ રહે મકવાણા ફળીયુ વડદલા તા.વાગરા જી ભરૂચ પકડાઇ ગયા હતા.

પોલીસે પકડાયેલા ઇસમોની અંગ ઝડતી તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ.રૂ.૧,૬૪,૮૨૦/- મુદ્દામાલ કબ્જે કરી બંન્નેવ આરોપી વિરૂધ જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

ગંગાપુર ગામ પાસે હાઇવે ઉપર સામ સામે બે ટ્રક વચ્ચે અકસ્માત,૨ના મોત

દેડીયાપડા તાલુકા માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 753 બી ઉપર ગંગાપુર અને કણબીપીઠા ગામ વચ્ચે ટ્રક તેમજ આઇસર ટેમ્પો વચ્ચે તારીખ 10 મેં ના રોજ વહેલી સવારના 6.30 કલાકે  ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  ટ્રક નંબર GJ-02-VV 9499 ના ચાલકે પોતાના કબજામાંનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આયસર ટેમ્પો નંબર MH-20-CT-9329 ને એક્સીડન્ટ કર્યો હતો.

જેમાં આઇસર ક્લીનર ભાસ્કર બાબુરાવ દાની રહે.જન્માંલા તા.ગંગાપુર જિ.ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) નાઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે તેમજ આઇસર ટેમ્પોના ડ્રાઇવર મોહસીન મજીદ શેખ રહે. જમ્ભોલા તા.ગંગાપુર જિ.ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) ને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા (નર્મદા)

માટી બચાવોના સંદેશ સાથે નીકળેલી સાયકલ યાત્રા ભરૂચ પહોંચતા કરાયું સ્વાગત

દિલ્હીથી માટી બચાવોના સંદેશ સાથે નીકળેલી સાઇકલ યાત્રા ભરૂચ ખાતે આવી પહોંચી હતી. જ્યાં સાઇકલિસ્ટ ગ્રુપ દ્વારા તેનું સ્વાગત કરાયું હતું.

તારીખ-21મી માર્ચના રોજ ઝારખંડના રહેવાસી સમ્રાટ સીંગે દિલ્હીના ઇન્ડિયા ગેટ પાસેથી ઈશા ફાઉન્ડેશનના સંસ્થાક સદગુરૂ હેઠળ માટી બચાવો અભિયાન શરૂ કર્યું છે. તેઓએ દક્ષિણ ભારત સુધી 7 હજાર કિ.મી સાઇકલ યાત્રા ખેડી વિવિધ શહેરોમાં અને ગામોમાં લોકોને માટી બચાવવા માટે જાગૃતિ ફેલાવશે.

આ યાત્રાને લઈ આજરોજ ભરૂચ ખાતે આવી પહોંચતા સાઇકલિસ્ટ ગ્રુપ દ્વારા સભ્ય શ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણે સાઇકલ યાત્રીનું સ્વાગત કર્યુ હતું. સાઈકલ યાત્રી ભરૂચ ખાતે જમીને સુરત ખાતે જવા રવાના થયો હતો. જ્યાંથી તે દક્ષિણ ભારત તરફ સાયકલ યાત્રા આગળ ધપાવશે.

ભરૂચ જિલ્લાના વિવિધ જન હિતના પ્રશ્નો માટે મુખ્યમંત્રીને મળવાની જિલ્લા કોંગ્રેસ સમિતિએ કરી માંગ

તા.૧૨-૦૫-૨૦૨૨ ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભરૂચ ખાતે આવનાર હોય ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીની મુલાકત માટેની માંગ કરવામાં આવી છે. જે અનુસંધાને જિલ્લા કલેકટરને પત્ર પાઠવી યોગ્ય કરવા જણાવાયું છે.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરિમલસિંહ રણાના જણાવ્યાનુસાર ભરૂચ જિલ્લાના જન-હિતના પ્રશ્નોની રજૂઆત કરવાની હોય આ અંગે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવવા વિનતી કરી છે.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરિમલસિંહ રણાના જણાવ્યાનુસાર ​ભરૂચ જિલ્લાના યુવાનો બેકાર છે.,ખેડૂતો લાચાર છે., મોંધવારીએ માઝા મૂકી છે.,વિધવાઓની આખોમાં આંસુ છે.,રાંધણગેસના ભાવોમાં વધારો થયો છે.,સી.એન.જી. ના ભાવ દિન-પ્રતિ દિન વધતા હજારો રીક્ષા ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. આવા અનેક પ્રશ્નો છે.​જેના ઉકેલ લાવવા જરૂરી છે.

​​ભરૂચ શ્રવણ ચોકડી પાસે શ્રવણ ફલાય-ઓવર બ્રીજ ને સૈધાન્તિક મંજૂરી મળ્યા હોવા છતાં અગમ્ય કારણોસર ફલાય ઓવરના નિર્માણ અંગે વિલંભ થઈ રહયો છે. જેના કારણે અકસ્માતોના બનાવો અને અન્ય બનાવો બની રહયા છે. ત્યારે આ ફલાય-ઓવર બ્રીજનું નિર્માણ તાત્કાલિક ચાલુ થાય તેવી રજૂઆત છે.

​ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખેતી માટેની વીજળી સમયસર મળતી નથી તેમજ માત્ર અને માત્ર ૦૪ થી ૦૫ કલાક વીજળી મળે છે. ત્યારે સરકાર દ્વારા નક્કી કરેલ સમય મુજબ વીજળી મળે તેવા ભરૂચ જિલ્લાના ખેડુતોની માંગણી છે.

​ભરૂચ જિલ્લામાં ઔધીગિક વિસ્તાર આવેલ છે. જેમાં પ્રદૂષણ જેવી સમસ્યા દિવસે-દિવસે વધી રહેલી છે. ત્યારે તેને નિયંત્રણમાં લાવવામાં આવે તેવી ભરૂચ જિલ્લાના લોકો વતીની રજુઆત કરી છે.​​

ભરૂચ: બે પેટ્રોલપંપ ઉપર લૂંટ ચલાવનાર ૩ પૈકી ૨ ઝડપાયા

છેલ્લા બે દિવસ થી રાત્રિ દરમિયાન પેટ્રોલપંપ પર “હથિયાર થી ફાયરિંગ કરી આતંક મચાવનાર” આરોપીઓને દેશી હાથ બનાવટ ની પિસ્તોલ તથા ૭ જીવતા કારતૂસ સાથે ગણતરી ના કલાકોમાં ભરૂચ પોલીસને બે આરોપીઓ ઝડપી પાડવામાં સફળતા મળી છે.                                                                                                      ગત તારીખ ૦૯/૦૫/૨૦૨૨ ના રોજ મોડી રાત્રે દહેજથી આમોદ જતા રોડ ઉપર ચાંચવેલ ગામ નજીક આવેલ ભારત પેટ્રોલપંપમાં હથીયાર બતાવી માથાના ભાગે ઇજા કરી તથા ગડદા પાટુનો મારમારી પેટ્રોલપંપના કાઉન્ટરમાં રાખેલ રૂપીયા ૩૧,૬૪૭/- ની લુંટ કરી નાસી ગયેલ અને તા.૧૦/૦૫/૨૦૨૨ ના રોજ દયાદરા થી નબીપુર જતા દ્રીમાર્ગીય રોડ ઉપર આવેલ રંગ કંપનીના પેટ્રોલપંપના કંપાઉન્ડમાં બે અજાણ્યા બુકાનીધારી ઇસમો બાઇક લઇ આવી પેટ્રોલપંપ પર ભયનુ વાતાવરણ ઉભુ કરવા પેટ્રોલપંપ ઉપર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી લૂંટવાનો પ્રયાસ કરી નિષ્ફળ જતા ત્યાંથી નાસી ગયા હતા.

પોલીસે આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગ નાઓએ તાત્કાલીક જીલ્લામાં નાકાબંધી કરાવી તથા બન્નેવ ગુનાવાળી જગ્યાની વીઝીટ કરી એલ.સી.બી., એસ.ઓ.જી., સ્થાનિક પોલીસ વિગેરેની અલગ અલગ ટીમો બનાવી વહેલામા વહેલી તકે આરોપીઓનુ પગેરૂ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.જે અનુંસંધાને મળેલ હકિકત આધારે ઉપરોકત ટીમો દ્વારા વોચમાં રહી CCTV ફુટેજમાં દેખાતા વર્ણન વાળા બે શંકમદ ઇસમોને ઝડપી પાડી

તેઓ પાસેના થેલાઓમાં તપાસ કરતા દેશી હાથ બનાવટની પિસ્ટલ  તથા ૭ જીવતા કારતુસ તેમજ રોકડા રૂપીયા મળી આવતા બન્નેવ ઇસમો રવિન્દરસિંગ ઉર્ફે બાજવા બલબીરસિંગ જ્ઞાનસિંગ રહેવાસી- પુરીયાકલાં પીરોની જગ્યા થાના-રંગળનંગલ તા.બટાલા જી.ગુરૂદાસપુર (પંજાબ) અને અમીતકુમાર ઉર્ફે વીકી નીર્મલકુમાર હંસરાજ રહેવાસી- બખ્ખેલાબટાલા થાના-સેવલલાઇન તા.બટાલા જી.ગુરૂદાસપુર (પંજાબ)ની સઘન અને ઉડાણપુર્વકની પુછપરછ દરમ્યાન બન્ને શકમંદ ઇસમો ભાંગી પડેલ અને બન્ને લુંટ તથા બાઇક ચોરીના ગુન્હાની કબુલાત કરતા તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી આગળની તપાસ માટે નબીપુર પોલીસ મથકે સોપવામાં આવેલ છે અને પકડાયેલ હથીયાર બાબતે વિગેરે મુદ્દાઓની વધુ તપાસ તેમજ લૂંટમાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીની શોધ એલ.સી.બી.ભરૂચનાઓ ચલાવી રહેલ છે.

ભરૂચના જોલવાની અક્ષરકેમ કંપનીમાં ૧૮ વર્ષીય કામદારનું ભેદી મોત!

ભરૂચ જિલ્લાના દહેજના જોલવા ખાતે આવેલ અક્ષર કેમ ઇન્ડીયા લીમીટેડ સીલીકા ડીવિઝન કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા ૧૮ વર્ષીય આશાસ્પદ યુવાનનું ગત રોજ મોડી રાતે કંપનીમાં મોત નીપજતા કંપની સત્તાધીશોએ આ ઘટનામાં ઢાંકપીછોડો કરવા પ્રયત્નો કર્યા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે.

દહેજના જોલવા ગામે આવેલ કાચને ઓગાળી તેનો પાવડર બનાવવાનું કામ કામ કરતી અક્ષર કેમમાં ગાયત્રી એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાકટમાં મૂળ ઝારખંડના વતની ૧૮ વર્ષીય પ્રેમકુમાર ગંઝુ કોન્ટ્રાક્ટ લેબર તરીકે છેલ્લા બે મહીનાથી જોલવા ખાતેની અક્ષર કેમ કંપનીમાં નોકરી કરતો હતો જે નાઇટ ડ્યુટીમાં ગતરોજ ગયો હતો. જ્યાં ગત રાતે ૨.૩૦ની આસપાસ અચાનક પ્રેમકુમાર ચાલુ નોકરીએ જ અચાનક ઢળી પડ્યો હતો અને બેભાન બનતા તેને કંપનીની ગાડીમાં બે થી ત્રણ દવાખાને લઈ જઈ ભરૂચ સિવિલ મૃત હાલતમાં લાવતા હજર તબીબે ૪ વાગ્યાની આસપાસ તેને મરણ જાહેર કરી લાસને પી.એમ. રૂમમાં ખસેડી હતી.

ઘટનાની વાત વાયુ વેગે પ્રસરતા સમગ્ર ધટનામાં બેદરકારી દાખવી ભીનું સંકેલવાના ભાગ રૂપે ધટનાની જાણ દહેજ પોલીસને સવારે ૧૦ કલાકની આસપાસ કરી હતી પણ તે પહેલા એક પણ દવાખાનાના તબીબે પણ પોલીસે જાણ કરી ન હતી. કહેવાય છે કે આ ઘટનામાં  મૃતકનો પરિવાર ગરીબ હોય મરણ જનારના સાથીદારોએ તેના મોતનું વળતર કંપની પાસે માંગતા ભારે રકઝક બાદ કંપનીએ વળતર પ્રેમકુમારના વાલીવારસોને ટ્રાન્ફર કરી તેમને લાસનો કબ્જો લેવા ઝારખંડથી ભરૂચ બોલાવ્યા છે.

હાલમાં પણ મૃતક પ્રેમકુમારની લાસ ભરૂચ સિવિલ હોસ્પીટલના પી.એમ. રૂમમાં રાખવામાં આવી છે.જેને આવતી કાલે તેના વાલીવારસોને સોંપી અંતીમ વિધી કરાશેનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે બહારથી કમાવા આવતા કામદારોને કંપનીમાં લોડીંગનું કામ કોઇ પણ સેફ્ટી વિના કરાવાતું હોવાની બુમો છતાં તંત્ર દ્વારા આવી કંપનીઓ પર કોઇ એક્ષન નથી લેવાતા જેથી આવા આશાસ્પદ યુવાનો કમોતે મોતને ભેટે છે. જો કે હાલમાં પણ પ્રેમકુમારના મોતનું કારણ અકબંધ રહ્યું છે અને મોડે મોડે કંપનીએ પોલીસને જાણ કરતા દહેજ મરીન પોલીસે વધુ તપાસ હાથધરી છે.

દેરોલ ગામેથી એમડી ડ્રગ્સનો જથ્થા સાથે ૧ ઝડપાયો,૧ ફરાર

ભરૂચ જિલ્લામાં નશીલા પદાર્થોના સોદાગરો હવે ડ્રગ્સ તરફ વળ્યા હોય તેમ દેરોલ ગામેથી રૂ. 1.40 લાખના 14 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે એક ઝડપાયો છે. જ્યારે એક ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે.

ભરૂચ તાલુકા પી.આઈ. એન.વી. ભરવાડની સુચના મુજબ પો.સ.ઇ એન.જે. ટાપરિયા એ.એસ.આઈ મહેન્દ્રસિંહ તથા હે.કો. જશવંતભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દેરોલ ગામે શાલીમાર સોસાયટી નવીનગરી ખાતે બાતમીના આધારે રેઇડ કરતા એક યુવાનની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ 14.08 ગ્રામ કિંમત રૂપિયા 1 લાખ 40 હજારનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ ટીમ દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ઇલ્યાસ અલી મલેકની ડ્રગ્સના જથ્થા, મોબાઈલ, રિચારજેબલ વજન કાંટો સાથે ધરપકડ કરાઈ હતી. જ્યારે ઇમરાન ઉર્ફે મસ્તાનને આ ગુનામાં વોન્ટેડ જાહેર કરાયો હતો.

રનાડાની બે વિધાર્થીનીઓ ખેલમહાકુંભમાં કૌવત બતાવી જિલ્લા કક્ષાએ ઝળકી

ઉંચી કુદમાં પ્રથમ નંબર તથા રિધમીક યોગમાં ત્રીજો નંબર મેળવતા રાજ્ય કક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

આમોદ તાલુકાની રનાડા પ્રાથમિક શાળાની બે વિધાર્થીઓ ખેલમહાકુંભ ૨૦૨૧-૨૨ અંતર્ગત જિલ્લા કક્ષાએ યોજાયેલ રમતોમાં ભાગ લીધો હતો.જેમાં શાળાની ધોરણ ૮ માં અભ્યાસ કરતી જયશ્રીબેન ધર્મેન્દ્રભાઈ પાટણવાડીયાએ ઉંચીકુદમાં પ્રથમ નંબર તથા ધોરણ ૬ માં અભ્યાસ કરતી ધનલક્ષ્મી ધર્મેન્દ્રભાઈ પાટણવાડીયાએ રીધમીક યોગમાં ત્રીજો નંબર મેળવી શાળા તથા તાલુકાનું નામ રોશન કર્યું હતું.જેથી બન્ને દીકરીઓ હવે રાજ્યકક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ
error: Content is protected !!