The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 106

નેત્રંગ ચાર રસ્તા અને જવાહર બજારમાં દબાણો દૂર કરવા તંત્રને કરાઇ રજૂઆત

નેત્રંગ તાલુકો ઘણા વર્ષોથી વિકાશીલ તાલુકો ગણાતો હતો, પરંતુ હાલ જાણે વિકાસ અટકી ગયો હોય તેવું લાગી રહ્યું છે. એમાં પણ નેત્રંગ ટાઉનનો તો વિકાસ સાવ રૂંધાય ગયો છે. તેની પાછળનું કારણ આડેધડ લોકોએ કરેલ દબાણ તેપણ પાછું કેટલાય સંચાલકો બદલાયા પણ જૈસે થે તેમજ ગાડું ચાલ્યા કરે છે.

આ ગેરકાયદેસર કરેલા દબાણથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે ત્રાસદાયક બની ગયો છે. પરંતુ આજની જાગૃત યુવાપેઢી કંઈક નવું કરવા માંગે છે, તેમ નેત્રંગ ચાર રસ્તાની ચારેય બાજુનું અને મુખ્ય જવાહર બજારમાં થયેલ દબાણ તોડી પાડવા યુવાનોએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને લેખિતમાં ફરીયાદ કરી છે. આથી ટાઉનના લોકોમાં દબાણ બાબતે ઉહાપોહ મચી ગયો છે.

નેત્રંગ ગામમાં તાલુકાના ૭૮ ગામના અને આજુબાજુના ઝધડીયા, વાલીયા, ડેડીયાપાડા, ઉમરપાડા તેમજ ઝંખવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ના લોકો રોજબરોજની ખરીદી માટે જવાહર બજાર ચાર રસ્તા વિસ્તારમાં આવતા હોય છે મોટે ભાગે લોકો બસ ,રીક્ષા, પેસેન્જર તેમજ પોત પોતાના વાહનો લઇને આવતા હોય છે. ગ્રામ પંચાયત થી ચાર રસ્તા સુધી તમામ રસ્તાની બન્ને બાજુ ઉપર બેરોકટોક વધી રહેલા દબાણોને કારણે વાહન પાર્કિંગની ભારે સમસ્યા ઉભી થતી હોવાથી વાહન ચાલકોને ત્રાસદાયી બની ગયું છે.

ઘણા ખરા વેપારીઓ તેમના વાહનો અને સામાન રસ્તા વચ્ચે જ મૂકી વાહન વ્યવહારને અસર કરી રહ્યા છે. તેમ છતાં પોલીસ, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. નેત્રંગ ચાર રસ્તાની ચારેયની ચારેય બાજુના ભાગે ખાનગી પેસેન્જર વાહનોનો ખડકલો કરી દેતા વાહન વ્યવહારને ભારે અસર થઈ રહી છે.

આવી સમસ્યામાં ગાંધી બજારમાં રહેતો પ્રતિક રાજેશભાઇ પ્રજાપતિ, જીગ્નેશ અર્જુનભાઇ વસાવા તેમજ અન્ય જાગૃત નવયુવાનોએ મુખ્ય બજારો તેમજ ચાર રસ્તા વિસ્તારના દબાણો દુર કરવા માટે નેત્રંગ તાલુકા મામલતદાર, ટીડીઓ, સરપંચ સહિત લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરતા દબાણકર્તાઓમાં ગણગણાટ ફેલાઇ ગયો છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,નેત્રંગ

આઈપીએલ ક્રિકેટ મેચ પર મોબાઈલમાં સટ્ટો રમતાં ઇસમોને ઝડપી પાડતી વેડચ પોલીસ

ગતરોજ પીએસઆઇ બી આર પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે  પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પીએસઆઈને મળેલ બાતમી આધારે અલગ અલગ ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએથી કારેલી ગામે કોઠા વગા વિસ્તારમાં પ્રકાશભાઈ ચંદુભાઈ પરમાર નરેશભાઈ રમેશભાઈ પરમાર કારેલી પંચવટી ફળિયાના નિકુલકુમાર હરમાનભાઈ પરમાર કારેલી આથમણા ભાગના દશરથભાઈ દલસુખભાઈ પઢિયાર  ચિરાગ ભાઈ રણજીતભાઈ પરમાર વેડચ જયેશભાઈ ઠાકોરભાઈ જાદવનાઓને ટાટા આઇપીએલની વીસ ઓવરની મેચ પર  મોબાઈલમાં ગ્રુપ બનાવી તે ગ્રુપ આધારે ખેલાડીની પસંદગી કરી રનફેર સેશનમાં ટીમની હારજીતના સોદા ઉપર જુગાર રમી રમાડી  પૈસાની હારજીત કરતા આ આરોપીઓને  બાતમીવાળી જગ્યાએથી પકડી  પાડયા હતા.

પોલીસે તેઓના મોબાઇલ તપાસતાં મોબાઈલમાં વોટ્સઅપ ગ્રુપ બનાવી  તેમાં એક ચાર્ટ આધારે ખેલાડીની વિગત મૂકી ગ્રુપના સભ્યો દ્વારા ક્રિકેટ મેચ ઉપર રમાતા સટ્ટાના ૧૦૦ તથા  ૨૦૦૩ લેખે ચૂકવવામાં આવતા પૈસા ફોનપે એપ્લિકેશન મારફતે  પોતાના એકાઉન્ટમાં જમા કરાવતા હતા. જેઓના કુલ છ મોબાઈલ કિંમત રૂ  ૪૪,૦૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરી છ ગુના રજિસ્ટર કરી વેડચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

* સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

દહેજના કોલસા કૌભાંડમાં ભરૂચ પોલીસે સલમાન ખાન અને અરબાઝ ખાન સહિત પાંચ ઝડપાયા

  • 65 લાખ ના મુદ્દા માલ સહિત કુલ 5 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા
  • ભરૂચ LCB એ 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાયએશ, 10 ચક્કાની ટ્રક, લોડર, 5 મોબાઈલ મળી રૂ.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચના દહેજ અદાણીથી ટ્રકોમાં નીકળતા ઓસ્ટ્રેલિયન કોલસને કાઢી લઈ થાનની માટી અને ફ્લાયએશ ભરવાનું કૌભાંડ ભરૂચ LCB એ કાપોદ્રા ગોડાઉનમાંથી ઝડપી પાડયું છે.જેમાં અંકલેશ્વર NH 48 ઉપર કાપોદ્રા પાસે આવેલા ગોડાઉનમાંથી ભરૂચ LCB એ ઓસ્ટ્રેલિયન કોલસા કૌભાંડને પકડી પડયું છે. લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં મોરબીના દિનેશ પટેલ અને હરેશ ઝાલરીયાએ ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેનો વહીવટ રાજકોટનો તિલક રાજેશ સેરસિયા કરતો હતો.દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો અહીં સગેવગે કરાતો હતો. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતા ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી તેની જગ્યાએ ફ્લાયએશ અને થાનની માટી ભરવાનું રેકેટ રંગે હાથ પકડયું હતું.

જેમાં ભરૂચ LCB એ સ્થળ પરથી દિનેશ પટેલ, લોડર ડ્રાઈવર મૂળ બિહાર અને હાલ કાપોદ્રા લક્ષ્મી ટ્રેડર્સ ગોડાઉનમાં રહેતો સોનુ ગણેશરાય યાદવ, મૂળ UP નો સૂરજ રામપ્રીત ચૌહાણ તેમજ મહારાષ્ટ્રના MGR ટ્રાન્સપોર્ટના ખાન બંધુઓ સલમાન ખાન અને અરબાઝ ખાનની અટકાયત કરી હતી. હાલ સુરત રહેતો અરબાઝ ખાન ટ્રક ડ્રાઈવર હતો. જ્યારે તેનો ભાઈ સલમાન ખાન ક્લિનર તરીકે કામ કરતો હતો. સ્થળ પરથી 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાયએશ, ટ્રક, લોડર, 5 મોબાઈલ મળી કુલ રૂ.18.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એલસીબી આગળની તપાસ હાથધરી છે.

સરભાણ માટી કૌભાંડ મામલે ગામના સરપંચ તથા ડેપ્યુટી સરપંચને ૫.૯૩ કરોડનો દંડ ભરવા નોટીસ

આમોદ તાલુકાના સરભાણ ગામે ગામ તળાવ તથા તલાવડીમાંથી ગેરકાયદે થયેલ માટી કૌભાંડ બાબતે ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા સરભાણ ગામના તત્કાલીન સરપંચ તથા ડેપ્યુટી સરપંચને ૫.૯૩ કરોડનો દંડ ભરવા નોટીસ ફટકારવામાં આવતાં આમોદ પંથકમાં ગેરકાયદે માટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આમોદ તાલુકામાં આવેલા સરભાણ ગામે આવેલા સર્વે નંબર ૮ તળાવ તથા સર્વે નંબર ૮૩૭ તલાવડીમાંથી ગેરકાયદેસર રીતે ૨,૪૦,૫૬૦ મેટ્રીક ટન સાદી માટીનું બિન અધિકૃત ખોદકામ કરવામાં આવ્યું હતું.જે બાબતે ૪ એપ્રિલ ૨૦૨૧ ના રોજ સ્થળ તપાસ કરવામાં આવી હતી.આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં પણ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ,આમોદ તાલુકા વિકાસ અધિકારી તથા ખાણ ખનીજ વિભાગની સયુંક્ત ટીમ દ્વારા પણ સ્થળ તપાસ કરવામાં આવી હતી.જે તપાસ અહેવાલમાં જણાવ્યા મુજબ ગામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય અને તલાટી કમ મંત્રીની પણ જવાબદારી બનતી હોય બિન અધિકૃત ખોદકામ બાબતે નોટીસ પાઠવવામાં આવી હતી.જેથી માટી ચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

તેમજ જો સાત દિવસમાં આધાર પુરાવા સાથે નોટીસનો ખુલાસો આપવા ખાણ ખનીજ વિભાગના અધિકારીએ ફરમાન કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાના સરભાણ ગામે થયેલા માટી કૌભાંડ બાબતે કોન્ટ્રાકટર ઉત્તમ છોટુભાઈ પટેલને દંડ ભરવા નોટીસ ફટકારવામાં આવી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચના સાઈન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ

ભરૂચ શ્રવણ ચોકડી ઉપર સિલ્વર સ્કવેર શોપિંગ સેન્ટરમાં સાઈન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાંથી બે સંચાલકોની ધરપકડ, બે ગ્રાહક, 3 થાઈલેન્ડ અને એક મુંબઈની સેક્સ વર્કર મળી આવી હતી.

ભરૂચ શહેરના લિંક રોડ ઉપર સિલ્વર સ્કવેર શોપિંગમાં સાઈન સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલતું હોવાની માહિતી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી હતી. રવિવારે ડમી ગ્રાહક અને પંચો તૈયાર કરી PI એ.કે. ભરવાડની સૂચનાથી PSI આર.એલ. ખટાણાએ 2 મહિલા પોલીસ સહિત 13 પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા.

ડમી ગ્રાહક સ્પા જતા જ પોલીસ ઉપર મિસકોલ કરતા તુરંત રેઇડ કરાઈ હતી. કાઉન્ટર ઉપરથી સ્પા નો સંચાલક મૂળ સુરત અને હાલ ચાવજની સ્તવન સોસાયટીમાં રહેતો પંકજ નગીન પરમાર, ભાગીદાર કરજણનો વિરેન્દ્ર સિંહ સરદારસિંહ માત્રોજા મળી આવ્યા હતા. જ્યારે સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે થાઇલેન્ડની 3 અને મુંબઈની એક સેક્સ વર્કર યુવતી અને બે ગ્રાહકો મળી આવ્યા હતા.

પોલીસે 11 મહિનાથી સ્પાના નામે દેહ વ્યપાર ચલાવતા બન્નેવ ભાગીદારો, કઢંગી હાલતમાં ઝડપાયેલા 2 ગ્રાહકો અંકલેશ્વર રોશન સોસાયટીના સોયેબ યુસુફ મોહંમદ પઠાણ અને ભરૂચના મહમદી પાર્કના ઈરફાન જમાલ પિંજારાની ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. સાથે જ કાઉન્ટર, અંગ ઝડતીમાં રોકડા અને 4 મોબાઈલ મળી કુલ રૂપિયા 40 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

વાગરાના સાયખામાં જીવલેણ હૂમલો કરી ફરાર એક આરોપી ઝડપાયો

વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી એગ્રેસન કલર પ્રાઈવેટ લિમિટેડમાં સેહજાદ રફીકભાઈ રાજ તેમજ તેઓના ભાગીદાર અસરફ હસન રાજને પાયલિંગનો કોંટ્રાકટ મળ્યો હતો. જેથી બંનેવ પાર્ટનર કામ જોવા કંપની ઉપર પહોચ્યા હતા. આ સમયે સારણ ગામના કામિલ મહબૂબ રાજ તેમજ કામિલ ગુલામ રાજ અને દેરોલ ગામના ઇલ્યાસ અલ્લી મલિક ઉપરાંત મોઢે રૂમાલ બાંધેલ એક અજાણ્યો સખ્સ કારમાં આવી બંને પાર્ટનરને ડબલ બેરલની બંદૂક બતાવી કામ નહીં ધમકી આપી જતા રહ્યા હતા.

ત્યારબાદ સાંજે સેહજાદ રાજ તેમજ અસરફ રાજ કંપની ઉપરથી ઘરે જતાં હતા. ત્યારે જય કેમિકલ કંપની નજીક ચાર રસ્તાની બાજુમા એકા એક કામિલ મહબૂબ રાજ, કામિલ ગુલામ રાજ તેમજ ઇલયાસ અલ્લી મલિક અને મોઢા ઉપર રૂમાલ બાંધેલ અજાણ્યો ઈસમ તેમના પર જીવલેણ હૂમલો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી ફરાર કામિલ ગુલામ રાજ અને ઇલ્યાસ અલ્લી મલિક અને અન્ય ઈસમ પોલીસના હાથે પકડાઈ ગયા હતા. મુખ્ય આરોપી કામિલ મહેબૂબ રાજ હજી ફરાર છે.

સુરતની મનોદિવ્યાંગ દીકરી રિન્કુ દેવાસી રાજયકક્ષાએ ૨૦૦ મીટર દોડમાં પ્રથમ

  • માનવીય સેવાના ભેખધારી નવીનભાઈ પટેલે માનવતાની મહેંક પ્રસરાવી છેઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

જીવનમાં કયારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે, આપણે કોઈ જરૂરિયાતમંદને કરેલી નાની મદદ પણ મોટું પરિવર્તન લાવતી હોય છે. આજના આધુનિક જમાનામાં પારકા પરાયા થતા હોય છે, તેવા સમયે એક પ્રોફેસરે અજાણ્યા પિતાપુત્રીને પોતીકા બનાવી મુસીબતના સમયે આશરો આપીને સાચા અર્થમાં માનવતાની મહેંક ફેલાવી છે. અજાણ્યાને આશરો આપીને મુસીબતમાં મદદગાર બનેલા નિવૃત્ત પ્રોફેસરે તેમના ઘરે આશરો આપ્યો એ દિવ્યાંગ દીકરી રિન્કુ દેવાસી રાજયકક્ષાએ ૨૦૦ મીટર દોડમાં પ્રથમ આવી ત્યારે સંવેદનાસભર કિસ્સા વિષે જાણ થતાં આજરોજ સવારે આ દીકરીના ઘરે જઈને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.

બીના એવી બની કે, સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની એવા જોરારામ દેવાસી પોતાની ૧૫ વર્ષીય દીકરી રિન્કુને રાજય સરકારના સ્પેશિયલ ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડની ફાઈનલ સ્પર્ધામાં ભાગ લેવાનો હોવાથી તા.૧૪મી મે-૨૦૨૨ના રોજ એસ.ટી.બસમાં સુરતથી અમદાવાદ જવા માટે એસ.ટી.બસમાં પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે રિન્કુને ઉલટી થતા બાજુની સીટમાં બેસેલા નવીનભાઈ પટેલને બારી પાસે બેસવા દેવા વિનમ્રભાવે વિનંતી કરી.

વાતમાંથી વાત નીકળી એટલે જોરારામે નવીનભાઈને અમદાવાદ ક્યારે પહોંચાય, ત્યાં રિક્ષા ભાડું કેટલુ થાય એવી પૂછપરછ કરી. નવીનભાઈએ કહ્યું કે, બસ રાત્રે ૧.૩૦ વાગે અમદાવાદ પહોંચશે. દીકરી દિવ્યાંગતા ધરાવતી હોવાના કારણે જોરારામ ટેન્શનમાં આવી ગયા. ફરી પાછા પ્રશ્નો કરવા લાગ્યા કે, ‘બસ સ્ટેશને સુવાય? અમે રાત્રે ગુજરાત યુનિવર્સિટી જતાં રહીએ તો ? ઓટો રિક્ષાવાળા બરાબર લઈ તો જાય ને? રીક્ષા મળી જાય રાત્રે?’ ફાઇનલ સ્પર્ધાના એક દિવસ અગાઉ જ તબિયત બગડતા પિતાની ચિંતા વધી હતી, ત્યારે આવા પ્રશ્નો સાંભળીને નવીનભાઈએ ઘરે ફોન કરીને પત્નીને કાર લઈને સ્ટેશને લેવા માટે બોલાવ્યા. આગ્રહ કરીને દીકરી રિન્કુ અને પિતાને લઈને અડધી રાત્રે પોતાના ઘરે લઈ ગયા, રાત્રિનિવાસ માટે રૂમ આપ્યો અને ચા-ભોજન કરાવ્યા, દીકરી સ્વસ્થ થઈ હોવાથી સવારે ગુજરાત યુનિ.ખાતે ખેલમહાકુંભની સ્પર્ધામાં પિતાપુત્રીને મૂકવા પણ ગયા.

બીજા દિવસે તેઓને જાણ થઈ કે, જે દીકરીને હું મુકવા ગયો હતો તે દીકરી ૭૦ ટકા મનોદિવ્યાંગતા ધરાવે છે, અને રાજયકક્ષાએ ૨૦૦ મીટરની સ્પર્ધામાં પ્રથમ નંબર હાંસલ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમના આનંદનો કોઈ પાર ન રહ્યો.આ વાતની જાણ રાજ્યના રમતગમત અને ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીને એક લેખ મારફતે થતા તેઓએ દીકરી રિન્કુના ઘરે આવીને પિતા પુત્રી અને પ્રો.નવીનભાઈ પટેલને શુભકામનાઓ પાઠવી હતી.

પિતા જોરારામ વરાછા વિસ્તારની કમલપાર્ક સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં બે રૂમના ફલેટમાં ભાડે રહે છે. તેમણે કહ્યું કે, મારી બે દીકરી અને એક દીકરો છે. દીકરીઓ ભણી-ગણીને આગળ વધે તે માટે તનતોડ મહેનત કરૂ છું. રિન્કુ મારી મોટી દીકરી છે. અમારા સમાજમાં બાળલગ્નનો રિવાજ હોવાથી નાની દીકરીના લગ્ન માટે તેમના મામાએ દબાણ કરતા તેઓ સાથે તમામ સંબધોનો અંત આણ્યો છે. મારી દીકરીઓને ભણાવી ગણાવવાનો પ્રથમથી જ નિર્ધાર કર્યો છે. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે બનતા તમામ પ્રયાસ કરતો રહીશ.

આ મનોદિવ્યાંગ દીકરીએ વરાછાની સરકારી સુમન હાઈસ્કુલમાં ધો.૧ થી ૮નો અભ્યાસ કર્યો છે. હાલ તે ધો.૧૦માં સુમન-૨ શાળામાં અભ્યાસ કરી રહી છે. સ્કુલના સ્પોર્ટસ શિક્ષકશ્રી ભાવેશભાઈ બોરીચાએ કહ્યું કે, રિન્કુ ચોથા ધોરણથી જ દર વર્ષે સ્પેશિયલ મહાકુંભમાં ભાગ લઈ રહી છે. જીગ્નેશભાઈ ઠક્કર, વિમલભાઈ દેસાઈનો રમતગમત પ્રત્યે પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે.  સુમન શાળાના પ્રિતીબહેને કહ્યું કે, અમારી સરકારી શાળામાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં સાત બાળકો દિવ્યાંગ છે છતા અમે દિવ્યાંગ બાળકોને પણ પ્રોત્સાહન મળી રહે તેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા હોવાનું કહ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ કહ્યું કે, સમાજ સેવક એવા પ્રો.નવીનભાઈ પટેલ અનેક સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. અમદાવાદની જીએલએસ કોલેજમાંથી સાયકોલોજીના પ્રોફેસર તરીકે નિવૃત્ત થયેલા નવીનભાઈએ અનેકોના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. ૨૨ જેટલા ગરીબ અને જરૂરિયાતમંદ દીકરા-દીકરીઓને પોતાના ખર્ચે ઘરે રાખીને અભ્યાસ કરાવ્યો છે. અન્યોને અવારનવાર આર્થિક મદદ પૂરી પાડી છે. એક વિદ્યાર્થીને ડોકટર બનાવવા માટે પોતાનું મકાન પણ ગીરવે મુકયું હતું. પોતાની આવકનો મોટાભાગનો ખર્ચ શિક્ષણ પાછળ કરી રહ્યા છે. રિન્કુ અને જોરારામને મદદ કરીને માનવતાની મહેંક પ્રસરાવી છે, જે બદલ તેમણે મક્કમ મનોબળ ધરાવનાર પિતાને અભિનંદન પાઠવ્યા હતા.

 

ભરૂચમાં સોમદાસ બાપુની અધ્યક્ષતામાં હિન્દૂ સેના અને ધર્મ સમાજનો માઈલસ્ટોન મુકાયો

ભરૂચ જિલ્લાના હિન્દૂ ધર્મ સેના અને સમાજની બેઠક સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં યોજાય હતી .જેમાં ભરૂચ જિલ્લા સહિત 9 તાલુકાના મુખ્ય જવાબદારો હાજર રહ્યા હતા.હિન્દૂ ધર્મ ,ગાય માતા અને ગંગાની રક્ષાના પ્રણ લેવામાં આવ્યા હતા.સાથે સાથે સંગઠન જિલ્લા ,તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિસ્તારી વિવિધ કાર્યોમાં જોતરાયા જવા હાંકલ કરવામાં આવી હતી.દરેક ગામમાં હિન્દૂ ધર્મ સેનાના બેનર લાગવા જોઈએ તેમજ હિન્દૂની રક્ષા થવી ખૂબ જરૂરી બની છે.

આ પ્રસંગે માધવપ્રિયસ્વામીએ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના દ્વારા હિન્દુ સંગઠનનું કાર્ય પુરજોશથી ચાલી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ધર્મસેનાની બેઠક સોમદાસબાપુના આશ્રમમાં કરવામાં આવી છે ખાસ આ કારોબારી બેઠકમાં જુના અને નવા હોદ્દેદારો હાજર રહ્યા હતા સૌ કોઈએ પ્રણ લીધી કે આપણે હિન્દુત્વનું કાર્ય કરવું સાથે ગૌ-ગંગાની રક્ષા કરીએ નાતી જાતિ તેમજ ધર્મના વાડા ભૂલી હિન્દુ છીએ તે દિશામાં આગળ વધીએ .

અરવિંદભાઈ બ્રહ્મભટ્ટે ઉદબોધનમાં અખિલ ભારતીય સંત સમિતિ સંતોનું સંગઠન છે આખા ભારતમાં 137 સંપ્રદાયનું નેતૃત્વ ધરાવે છે. ગુજરાત ના અધ્યક્ષ તરીકે નૌતમસ્વામી જવાબદારી સંભાળે છે. જે સદગૃહસ્થ અને યુવાનોનું સંગઠન છે જેમાં માધવપ્રિય સ્વામી સંરક્ષકનો કાર્યભાર સાંભળે છે .

આજે ૨૬ જિલ્લાઓમાં હિંદુ ધર્મ સેનાના સંગઠનની રચના થઈ છે. સ્થાન સ્થાન પર આ જ પ્રકારે હિન્દુ યુવાનો સંકલ્પ લઇ રહયા છે ગૌ ગંગા અને ધર્મ રક્ષા આવા સંકલ્પ સાથે હિન્દુ સમાજ ના સંગઠનનું કાર્ય ગુજરાતમાં ચાલી રહ્યું છે. આજે ભરૂચ જિલ્લાના પ્રમુખ કાર્યકર્તાઓની બેઠક સોમદાસ બાપુ ,માધવપ્રિય સ્વામી ,ગોપાલચરણ સ્વામી અને ધર્મ સમાજના પ્રમુખ દેવુભા કાઠી ઝીણાભાઈ ભરવાડ ,સુધીરસિંહ અટોદરિયા ,ઈન્દ્રસિંહ પરમાર વગેરે ના સાનિધ્યમાં સફળ આયોજન થયું બધા જ કાર્યકર્તા આવનાર દિવસોમાં ગામડાઓમાં હિંદુ ધર્મ સેનાના સંગઠનની રચના કરશે કોઈ સ્થાન ઉપર સંત- મંદિરની સુરક્ષામાં આ સેના ઊભી રહેશે જ્યાં પણ અપૂજ મંદિરો છે તેના જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ અખિલ ભારતીય સંત સમિતિના સંતોએ કર્યો છે.

અંકલેશ્વરના ગ્રીન સિટી સોસાયટી નજીકના તળાવમાં ડૂબી જતાં બેના મોત

અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલી ગ્રીન સીટી સોસાયટી પાછળ આવેલા તળાવમાં નહાવા પડેલા બે કિશોર ડૂબી જતાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક આવેલા સિલ્વર સિટીમાં રહેતા 15 વર્ષિય આકાશ રામ નિવાસ યાદવ અને 14 વર્ષિય અભિષેક પીન્ટુભાઈ ચૌહાણ ગ્રીન સીટી સોસાયટી પાછળ આવેલ તળાવમાં નહાવા પડ્યા હતા. તે દરમિયાન તળાવના ઊંડા પાણીમાં બંને કિશોરો ગરકાવ થઇ જતાં તેઓ ડૂબી ગયા હતા.

આ બનાવની જાણ અરૂણકુમાર ચૌહાણે તાલુકા પોલીસ મથકે કરતાં પોલીસે તરવૈયાઓની મદદ વડે તળાવમાં શોધખોળ કરતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચના મહેગામના ગ્રામજનો ૬ દિવસથી પાણી વિના તરસ્યા!

  • સરકાર દ્વારા તાકીદે કાયમી પાણી અપાય તેવી માંગ

ભરૂચ જિલ્લાના ધાર્મિક આસ્થાના પ્રતિક એવા મઠ મહેગામ ગામે ગ્રામજનોને છેલ્લા ૬ દિવસથી પાણી વિના તરસ્યા રહેવાનો વારો આવ્યો છે.સરકારમાં તેમજ વડાપ્રધાન સુધી અનેક વાર રજૂઆતો છતાં નદી કિનારે આવેલ મહેગામ ગામને પાણી વિના તરફડવાનો વારો આવતા ગામની મહિલાઓએ આજે ગ્રામપંચાયત ખાતે માટલા સાથે હલ્લાબોલ કરી સરકાર દ્વારા કાયમી પાણી મળે તેવી તાકીદે વ્યવસ્થા કરાય તેવી માંગ કરી છે.

ગ્રામજનોના જણાવ્યાનુસાર તેમના ગામમાં વર્ષોથી સરકાર દ્વારા પાણીની કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી તેમને રિલાયન્સ કંપની દ્વારા પાણી મળતું હતું. તે પણ છેલ્લા ૬ દિવસથી બંધ રહેતા મહિલા સહીતના ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડે છે. છેક ૨ કિલોમીટર સુધી વયોવૃદ્ધ મહિલા સહીતનાઓએ માથે બેડા લઈ તળાવે પાણી ભરવા જવું પડે છે. આ મામલે ગ્રામપંચાયત સરપંચ દ્વારા પણ મુખ્ય મંત્રી,પ્રધાનમંત્રી સુધી તમામને ઓનલાઇન ફરીયાદો કરવામાં આવી છે. છતાં પાણીની સમસ્યાનો કોઇ કાયમી હલ ન થતા પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીએ સોંપાયેલ મિલ્કતોની માપણી જેવી કામગીરીનો પણ બહિષ્કાર કરતો એક પત્ર તાલુકા વિકાસ અધિકારીને પાઠવી તેમને કાયમી ધોરણે સરકાર દ્વારા પાણી પુરૂ પડાય તેવી માંગ કરાઇ છે.

error: Content is protected !!