સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે તા.૨૯ એપ્રિલથી ૧ મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતાં પાટીદાર ઉદ્યોગકારોને ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ કરીને ગ્રામ્ય અર્થકારણને ધબકતું રાખવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, સંપત્તિવાન જરૂર બનવું જોઈએ, પણ ગામડા અને ખેતીને ક્યારેય ન ભૂલવા. કારણ કે ગ્રામીણ અને કૃષિસંસ્કૃતિ આપણી જડ છે. એગ્રોબેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ, પ્રાકૃતિક ખેતી અને ફૂડ પ્રોસેસિંગમાં અપાર સંભાવનાઓ રહેલી છે. યુવાધન આ તકો ઝડપીને ગ્રામ્ય પ્રગતિમાં ભાગીદાર બને એવી અપીલ પણ તેમણે કરી હતી. તેમણે સરદાર સાહેબનું સ્મરણ કરતાં જણાવ્યું કે, દેશને આઝાદી મળી ત્યારે સરદાર સાહેબે કહ્યું હતું કે ભારતમાં સંપત્તિની કોઈ કમી નથી.
આપણે ફક્ત આપણા દિમાગ અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત્ત સરોવર બનાવવા સંકલ્પબદ્ધ બનવાનો અનુરોધ કરતાં વડાપ્રધાને ઉમેર્યું કે, આઝાદીના અમૃત્તકાળ સૌના સાથ અને વિકાસની સાથે સૌના પ્રયાસની ભાવનાથી દેશને પ્રગતિના માર્ગે ગતિમાન કર્યો છે. કોરોનાકાળમાં અનેક પડકારો અને સંઘર્ષ છતાં દેશમાં MSME ક્ષેત્ર આજે ઝડપભેર વિકાસ કરી રહ્યું છે. સરકારે કરોડો રૂપિયાની આર્થિક સહાય કરીને MSME ક્ષેત્ર સહિતની લાખો નોકરીઓ બચાવી હતી અને ફળસ્વરૂપે આજે આ ક્ષેત્ર ઝડપથી નવી રોજગારીનું સર્જન કરી રહ્યું છે.
વડાપ્રધાને પાટીદાર ગ્લોબલ સમીટના આયોજનને વધાવતાં કહ્યું કે, રોજગાર, વ્યાપારવૃદ્ધિ અને નવા બિઝનેસની તકો આપતા સરદારધામની ‘સમાજનિર્માણથી રાષ્ટ્રનિર્માણ’ની ભાવના સરાહનીય છે. છેલ્લાં ૮ વર્ષમાં સરકારનો સતત પ્રયાસ રહ્યો છે કે, હકારાત્મક નીતિઓ અને પગલાઓ દ્વારા દેશના સામાન્ય પરિવારના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બને અને ઊંચા સપના જુએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો સંદેશ દ્વારા સમિટની સફળતાની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, પાટીદાર ગુજરાતની ખમીરવંતી અને મહેનતકશ પ્રજા છે. સ્વબળે સંઘર્ષ કરીને સમગ્ર વિશ્વમાં પાટીદારોએ પાણી બતાવ્યું છે. સરદાર સાહેબના જીવનના ઊચ્ચ આદર્શોમાંથી પ્રેરણા લઈ સરદારધામે સમાજસેવા, શિક્ષણસેવાના અનેકવિધ આયામોથી સમાજનિર્માણથી રાષ્ટ્રનિર્માણની ભાવના મજબૂત બનાવી છે.
સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સુરત એ ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક કેપિટલ તરીકે સુવિખ્યાત છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્થળાંતર થઈને આવેલ પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણોથી ડાયમંડ, ટેક્ષટાઈલ્સ, રિયલ એસ્ટેટ તેમજ વિવિધ વ્યવસાયોમાં પ્રગતિ કરી છે, ત્યારે મિશન ૨૦૨૬ હેઠળ રાજ્યમાં સર્વ ક્ષેત્રમાં ઉદ્યોગ/વ્યાપારનો વિકાસ થાય, નવા ઉદ્યોગ સાહસિકો મળે, અને તે દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય, સાથોસાથ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ છે. આગામી ૨૦૨૪માં રાજકોટ અને ૨૦૨૬માં યુ.એસ.એ.માં બિઝનેસ સમિટ યોજવાની જાહેરાત પણ તેમણે કરી હતી.
આ વેળાએ સરદાર પટેલ ઈન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઈઝેશન ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ કરાયું હતું. મહાનુભાવોના હસ્તે ‘સરદારધામ સમાજરત્નો’ કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું હતું.આ પ્રસંગે શ્રી રામકૃષ્ણ ગ્રુપના ચેરમેન અને સમિટના મુખ્ય સ્પોન્સરશ્રી ગોવિંદભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ-સુરતના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા, પાટીદાર અગ્રણી મનહરભાઈ સાસપરા, ઉદ્યોગજગતના અગ્રણીઓ, બિઝનેસમેનો તેમજ દેશવિદેશમાંથી ડેલિગેટ્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.