આમોદ તાલુકાના સરભાણનાં સર્વે નંબર -૮ તળાવ તથા સર્વે નંબર -૮૩૭ તળાવમાં તથા ગૌચરની જમીનમાં થયેલ માટી ખનન બાબતે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને કસુરવારો સામે ફોજદારી પોલીસ ફરીયાદ કરી નકલ આપવા તાકીદ કરી છે.
આમોદ તાલુકાના સરભાણ ગામે ગામતળાવ, તલાવડી તથા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવ્યું હતું. જે બાબતે ગામના જાગૃત નાગરિક બિપિન પટેલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી. જેના અનુસંધાને ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી તપાસ ટીમની રચના કરવામાં આવતા સરભાણ ગામે સ્થળ તપાસ કરી ઉચ્ચકક્ષાએ રિપોર્ટ રજૂ કર્યો હતો.
આમોદનાં જ બીજા એક ગામ વાંતરસામાં પણ આવું જ માટી કૌભાંડ આચરાયું હતું. જેની પણ આ ટીમ દ્વારા તપાસ કરી રિપોર્ટ રજૂ કરાતા આખરે જિલ્લા વિકાસ અધિકારીએ આ કામમાં કસુરવાર હોય તેવા લોકો સામે ફોજદારી ગુનો નોંધાવવા આદેશ કર્યા છે. જેથી માટીચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
પ્રથમ ઘટનામાં સરભાણ ગામે તળાવ, તલાવડી તેમજ ગૌચરની જમીનની માટી વધુ પડતી ખોદીને એજન્સીઓને આપી દેવાતા માટી ચોરોએ ગામ તળાવને નર્કાગાર બનાવી દીધું હતું.તેમજ જમીન ઉપરના લીલાછમ વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. તો વાંતરસા ગામે આજ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારીની તપાસ ટીમે નોંધ્યું હતું. ટીમના રિપોર્ટના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યા છે.
વાતરસાના તત્કાલિન તલાટીને સસ્પેન્ડ કરાયા
વાતરસા ગામે થયેલા માટી કૌભાંડ મામલે તપાસ થતાં અધિકારીઓની ટીમે તે અંગેનો રિપોર્ટ ઉચ્ચકક્ષાએ કર્યો હતો. જેના આધારે તત્કાલિન તલાટી વિનોદ સોલંકીને સસ્પેન્ડ કરી નેત્રંગ ખાતે મૂકવામાં આવ્યા છે. જોકે આ મામલે હાલમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.
સરભાણના તત્કાલિન તલાટીએ વહીવટી તંત્રને ગેરમાર્ગે દોર્યું હતું
સરભાણમાં ગૌચરની જમીનમાં થયેલા માટી ખોદકામ અંગે ગામના જ નાગરિકે અરજી કરી હતી. જેના અનુસંધાને ગામના તત્કાલીન તલાટીને જ તપાસનો આદેશ થતાં માટીચોરોના મિલીભગતમાં સંડોવાયેલા તત્કાલીન તલાટી ગૌચરની જમીનને કાંસ બતાવી દઈ વહીવટી તંત્રને પણ ગેરમાર્ગે દોર્યું હતું. તેની જિલ્લાકક્ષાએથી સ્થળ તપાસ માટે નાયબ જીલ્લા વિકાસ અધિકારી અશોક ડાંગીની ટીમે તપાસ કરતાં તત્કાલીન તલાટીની તંત્રને ગેરમાર્ગે દોરવાની હરકત સામે આવી હતી.
* સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર