ભરૂચ શહેરના યોગી એક્ષટેન્શનમાંથી 2 જી જુનની રાત્રીના લોખંડની પ્લેટોની ચોરીનો ભેદ ભરૂચ એ ડીવીઝન પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે બે ઈસમોને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના યોગી એક્ષટેન્શનની કન્ટ્રકશનની સાઇટ પર 2 જી જૂનના રાત્રીમાં બે તસ્કરોએ ત્રાટકી ત્યાં રહેલી લોખંડની પ્લેટોની ચોરી કરી હતી.જેની ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ભરૂચ એ ડીવીઝનના પીઆઈ વી.યુ.ગડરીયા અને તેમની ટીમે તેમના વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.
આ સમયે પોલીસ કોન્સ્ટેબલ ધવલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ તગ્દીરસિંહને સંયુક્ત માહિતી મળી હતી કે, યોગી એક્ષટેન્શનમાંથી ચોરી કરનાર બંને ઈસમો દહેજ બાયપાસ શીલ્પી સ્કવેરની પાસે રોડ ઉપર ઉભેલા છે અને તેઓ બીજી ચોરી કરવાની પેરવીમાં છે.
ટીમે માહિતી મળતા જ સર્વેલન્સ ટીમના માણસોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મદીના પાર્કમાં રહેતા સહેજાદ દાઉદભાઇ રાજ અને સફરી પાર્કમાં રહેતા મહંમદ ઇસ્લામ મહંમદ હનીફ રાણા નામના બે ઈસમોને પકડી લીધા હતાં.બંન્નેની પુછતાજમાં તેમણે ચોરી કરેલી લોખંડની સ્લેબ ભરવાની પ્લેટો નજીકમાં અવાવરૂ જગ્યાએ સંતાડી રાખી હોવાની કબૂલાત કરી હતી.ત્યાર બાદ પોલીસે સંતાડી રાખેલી લોખંડની પ્લેટો નંગ-40 કબ્જે કરી રૂ.40 હજાર બે મોબાઈલ કિંમત રૂ.15 હજાર મળી રૂ.55 હજાર મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.