ભરૂચ લોકસભા બેઠક ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સ્થાને રહી હતી. ભાજપના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને 7મી વખત ભાજપે ટિકિટ આપી હતી.તો દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઇન્ડિગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝપલાવ્યું હતું. વસાવા વર્સીસ વસાવાના મામા-ભણેજના જંગમાં 7 મે ના રોજ કુલ 69 ટકા જેટલું મતદાન થયું હતું.
આજે 4 જૂને મતગણતરી ભરૂચની કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે 7 વિધાનસભા મુજબ 23 રાઉન્ડમાં હાથ ધરાઈ હતી. ભાજપના સાતમી ટર્મના ઉમેદવાર પેહલાથી ચૈતર વસાવા સામે દરેક રાઉન્ડમાં આગળ રહ્યાં હતાં.જોકે આપના આ ધારાસભ્ય અને ઇન્ડિગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને કરારી ફાઈટ છેવટ સુધી આપી હતી.૭ વિધાનસભાના 23 રાઉન્ડ પૂર્ણ થતાં EVM ના 11.92 લાખ મતોમાં 605489 મત મેળવી ભાજપના મનસુખ વસાવાએ સાતમી વખત પણ ભરૂચના સાંસદનું સિંહાસન અકબંધ રાખ્યું હતું.સામે ચૈતર વસાવાને 518419 મત મળતા ભાજપનું જીતનું માર્જિન માત્ર 87070 મત રહ્યું હતું.
જોકે પ્રચાર દરમિયાન પેહલા ભરૂચ બેઠક પર 5 લાખથી વધુ મતોની જીત. જે બાદ 3 લાખ કરતા વધુ મતોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે એક લાખની સરસાઈથી પણ ભાજપ ભરૂચ બેઠક નહિ જીતતા ભાજપ સંગઠન અને મનસુખ વસાવામાં ઓછા માર્જિનથી જીતનો વસવસો જોવા મળ્યો હતો.બીજી તરફ ચૈતર વસાવાએ પણ મતદાન બાદ 50 હજારથી વધુ મતોથી જીતવાનો દાવો કર્યો હતો. તેમની હારથી તેઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. તેમના ડેડીયાપાડા મત વિસ્તારમાંથી જ વિધાનસભા કરતા ઓછા મત મળ્યા હોવાનું સામે આવ્યું હતું.
સૌથી આશ્ચર્યજનક પરિણામોમાં આ વખતે નોટા ત્રીજા સ્થાને રહ્યું હતું. 2019 ની ચૂંટણીમાં નોટાને 6321 મત મળ્યા હતા. જેની સામે આ વખતે નોટા ને અધધ કહેવાય એટલા 23151 મત મળ્યા હતા.પરિણામનું વિધાનસભા વાઇઝ ફાઇનલ પત્રક આવ્યા બાદ જ ભાજપ અને આપ ક્યાં તેમને જનતાના જનાદેશ મળ્યા અને ક્યાં તેઓને મતોમાં પછડાટ તેના લેખાજોખા કાઢી મનોમંથન કરશે.
ભાજપની લીડમાં ગત ટર્મ કરતા 2.47 લાખનું ગાબડું
2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા 3.34 લાખની ઐતિહાસિક લીડથી જીત્યા હતા. તે સમયે ભરૂચ જિલ્લા ભાજપ પાસે પાંચેય વિધાનસભા બેઠક, જિલ્લા પંચાયત કે 9 તાલુકા પંચાયત પણ ન હતી. તેમ છતાં 3.34 લાખ મતોની જંગી સરસાઈ મેળવી હતી.જોકે 2024 માં ભાજપ પાસે જિલ્લા, 9 તાલુકા પંચાયત અને પાંચેય વિધાનસભા હોવા છતાં આપ અને ઇન્ડિગ્રહબંધનના ઉમેદવાર સામે ગત વર્ષની સરસાઈ કરતા 2.47 લાખ મતોનું ગાબડું પડ્યું છે.