ભરૂચની જી.એન.એફ.સી.ટાઉનશીપ પાસે આવેલ વિશ્વનાથ ટાઉનશીપના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૧૨ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૫૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
મૂળ મધ્ય પ્રદેશના અને હાલ ભરૂચની જી.એન.એફ.સી.ટાઉનશીપ પાસે આવેલ વિશ્વનાથ ટાઉનશીપમાં ભાડાના મકાનમાં રહેતા રાજેશ રામ સ્વરૂપ શુક્લા ઝઘડિયાની વેલસ્પન કંપનીમાં પરચેજ મેનેજર તરીકે ફરજ નિભાવે છે. જેઓ ગત રોજ પોતાના મકાનનું તાળું મારી મધ્ય પ્રદેશ ખાતે ભાણીના લગ્ન પ્રસંગે પરિવાર સાથે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૧૨ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૫૩ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે સી ડીવીઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો છે.