- એક વખતમાં 20 ફૂટ અંદર જઇ 500 કિલો જેટલો કચરો કાઢવા સક્ષમ.
ભરૂચ નગરમાં વર્ષોના વહાણા બાદ ભૂગર્ભ ગટર યોજના આગામી સમયમાં સાકાર થવા જઈ રહી છે. અંડર ગ્રાઉન્ડ ડ્રેનજની સફાઇ માટે પાલિકાને લાખોની કિંમતનો સોલાર રોબોટની ભેટ મળી છે.
ભરૂચ નગર પાલિકાના સભાખંડમાં પ્રમુખ અમિત ચાવડા, મુખ્ય અધુકારીના અધ્યક્ષ સ્થાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ભરૂચને ભૂગર્ભ ગટર યોજનાની સફાઈ માટે જી.યુ.વી.એન.એલ. ના CSR માંથી સફાઈ કામદાર સોલાર રોબોટની અપાયેલી ભેટનું લોકાર્પણ કરાયું હતું. આ સોલાર રોબોટ સફાઈ કામદાર મેનહોલમાંથી 20 ફૂટ અંદર જઈ તેમાં લાગેલા કેમેરાથી ભૂગર્ભ ગટરમાં જમા થયેલો કચરો સાફ કરશે.
આ રોબોટની એક સમયે કચરાને બહાર કાઢવાની તેની ક્ષમતા 500 કિલો છે.સભામાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ માટે વેરાના દર પણ નક્કી કરાયા હતા. જેમાં રહેણાંક માટે મિલકત વેરાના 25 % અથવા ₹500 થી ઓછા નહિ. કોમર્શિયલ માટે મિલકત વેરાના 50 ટકા, શેક્ષણિક સંસ્થાઓ માટે 15 ટકા અને ધાર્મિક સ્થળો માટે અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ ચાર્જ રૂપિયા 250 નિયત કરાયો છે. જેને મંજૂરી માટે કમિશનરમાં મોકલી અપાશે.
પાલીકાની આ સભામાં વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકરે ગત બજેટ સભાની મિનિટ્સ નામંજુર કરી હતી. શહેરમાં ડોર ટુ ડોરનો કોન્ટ્રકટર સેવા આપવામાં 100 ટકા ફેઈલ રહ્યો હોવાનો સુર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેને અપાયેલા વાર્ષિક હિસાબોમાં સુધારાની માંગ કરતા પાલિકા પ્રમુખ અમિત ચાવડા એ આ માટે તપાસ કમિટીની નિમણુંક કરી હતી.સભામાં ઉપપ્રમુખ, વોટર વર્ક્સના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા, અન્ય ચેરમેનો અને સભ્યો હાજર રહ્યાં હતાં.