- ઐતિહાસિક અને ભાતિગળ એવા “ડાંગ દરબાર”ના પારંપરિક લોકમેળાની શાહી સવારી, આગામી તા.૧૩મી માર્ચે આહવાના આંગણે આવી પહોંચશે.
“કોરોના કાળ” દરમિયાન સને.૨૦૨૧ના વિરામ બાદ ફરી એકવાર ડાંગને આંગણે ભાતિગળ લોકમેળાની ભવ્ય ઉજવણીનુ જિલ્લા વહીવટી તંત્રે આયોજન હાથ ધર્યુ છે. ડાંગ દરબારની પરંપરા અનુસાર આ વર્ષે તા.૧૩ થી ૧૬ માર્ચ, ૨૦૨૨ દરમિયાન “ડાંગ દરબાર”નો લોકમેળો યોજાશે. જેનુ ભવ્ય ઉદ્દઘાટન તા.૧૩/૦૩/૨૦૨૨ના રોજ રાજયપાલની ઉપસ્થિતિમા કરાશે.
આ ઉદ્દઘાટન સમારોહની સાથે સાથે ડાંગના માજી રાજવીઓની ભવ્ય શોભાયાત્રા સહિત તેમને પોલિટિકલ પેન્શન એનાયત કરવાનો કાર્યક્રમ, અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ થશે. ઉદ્દઘાટન કાર્યક્રમ બાદ તા.૧૩ થી ૧૬ માર્ચ સતત ચાર દિવસો સુધી, આહવાના રંગ ઉપવનના તખ્તે સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર રજુ થશે, જ્યારે આહવા નગરના આંગણે વિવિધ ચીજવસ્તુઓ અને ખાણીપીણીની સેંકડો દુકાનો, સ્ટોલ્સ, અને પ્રજાજનોના મનોરંજન અર્થે ચગડોલ સહિતના નવીન આકર્ષણો પણ ઉમેરાશે. સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાકીય જાણકારી સાથેના માહિતીપ્રદ પ્રદર્શન સ્ટોલ્સ પણ લોકમેળાનુ આકર્ષણ બનશે.