સિડની/ન્યૂ સાઉથ વેલ્સ:
કહેવાય છે કે કિસ્મત ક્યારે અને કોના પર મહેરબાન થઈ જાય તે કોઈ કહી શકતું નથી. ઓસ્ટ્રેલિયાના રણ વિસ્તારમાં સોનાની શોધ કરી રહેલા એક સામાન્ય વ્યક્તિ સાથે કંઈક આવો જ ચમત્કાર થયો છે. મેટલ ડિટેક્ટરની મદદથી જમીનમાં દટાયેલું સોનું શોધી રહેલા આ વ્યક્તિને અચાનક બટાકા જેવા આકારનો 1.2 કિલોગ્રામ વજનનો વિશાળ સોનાનો ટુકડો (ગોલ્ડ નગેટ) મળી આવ્યો છે. આ અણધારી શોધ બાદ તે વ્યક્તિ રાતોરાત ચર્ચામાં આવી ગયો છે અને તેની કિસ્મત ચમકી ઊઠી છે.

ઓસ્ટ્રેલિયન મીડિયા (ABC ન્યૂઝ) ના અહેવાલ અનુસાર, આ રોમાંચક ઘટના ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં આવેલા ‘સ્ટર્ટ સ્ટોની ડેઝર્ટ’ વિસ્તારમાં ટિબૂબુરા નજીક બની હતી. આ વિસ્તાર ઐતિહાસિક રીતે સોનાની શોધ માટે જાણીતો છે, જ્યાં ઘણા લોકો પોતાનું નસીબ અજમાવવા આવતા હોય છે.
મશીનના તેજ અવાજથી ઉત્સાહિત થઈને તેણે જ્યારે સાવચેતીપૂર્વક માટી હટાવી, ત્યારે અંદરથી એક ચમકતો પીળો ટુકડો બહાર આવ્યો. શરૂઆતમાં તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય પથ્થર કે ધાતુ હશે, પરંતુ જ્યારે તેણે તેને સાફ કરીને જોયો તો તે શુદ્ધ સોનાનો ટુકડો હતો. તેનો આકાર બિલકુલ બટાકા જેવો દેખાતો હતો. આ ટુકડાનું વજન લગભગ 1.2 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે.






