નર્મદા જિલ્લાના ચીકદા તાલુકાના આંજણવઈ ગામે ગામનું ગૌરવ વધારનાર અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ સરકારી સેવાઓમાં તાજેતરમાં નિમણૂક પામેલા તેજસ્વી યુવાનોના સન્માનાર્થે ‘સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેરણાદાયી પ્રસંગે સમગ્ર આંજણવઈ ગામ ઉત્સાહ અને ગર્વના માહોલમાં ડૂબી ગયું હતું.

કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ, ગામના પૂજનીય વડીલો, ઉત્સાહી યુવાનો, માતાઓ-બહેનો સહિત ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલા આ સમારોહમાં ગામની એવી પ્રતિભાશાળી વ્યક્તિઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું, જેમણે પોતાની અથાણ મહેનત, લગન અને સમર્પણથી વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવીને આંજણવઈ ગામનું નામ રોશન કર્યું છે. ખાસ કરીને તાજેતરમાં જ સરકારી ભરતીઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સરકારી સેવાઓમાં નિમણૂક મેળવનાર યુવા પ્રતિભાઓને ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપી બિરદાવવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ ગામની પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાની સાથે નવી પેઢીને શિક્ષણનું સાચું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ એ પ્રગતિની ચાવી છે અને મહેનત તેમજ સંઘર્ષના બળે જ સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરી શકાય છે. કાર્યક્રમ મંચ પરથી સમાજમાં એકતા, ભાઈચારો, પરસ્પર સહકાર અને સામાજિક જાગૃતિ જાળવી રાખવાનો મજબૂત સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

સન્માન વિધિ બાદ ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનો વચ્ચે આત્મીય સ્નેહમિલન યોજાયું હતું, જેમાં સૌએ એકબીજાને મળીને ખુશી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે તમામ ગ્રામજનોએ સાથે મળીને રૂચિપૂર્વકના મહાભોજનનો આનંદ માણ્યો હતો.
આંજણવઈ ગામે યોજાયેલો આ સન્માન સમારોહ માત્ર એક ઉત્સવ પૂરતો સીમિત ન રહેતાં, ગામના અન્ય વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ભવિષ્યમાં આગળ વધવાનું એક સબળ પ્રેરણાપીઠ બન્યો હતો. આગામી પેઢી શિક્ષણ તથા કારકિર્દીના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે તેવા ઉમદા આશય સાથે યોજાયેલો આ ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમ વર્ષો સુધી ગ્રામજનોના માનસપટ પર યાદગાર બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here