આમોદ તાલુકાના ભીમપુરા ગામે આવેલા તળાવમાં ડૂબી જવાથી ૫૧ વર્ષીય આધેડનું મોત નીપજતાં ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી.ગામના તળાવમાં હાથ-પગ ધોવા ગયેલા આધેડનો પગ લપસી જતાં તેઓ પાણીમાં ડૂબી ગયા હોવાની વિગતો સામે આવી હતી. આમોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતા નાગજીભાઈ છીતાભાઈ ચાવડા ઉ.વ.૫૧ ગત રોજ ગામમાં આવેલા તળાવમાં હાથ-પગ ધોવા માટે ગયા હતા.આ દરમિયાન તેમનો પગ લપસી જતાં તેઓ તળાવના પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું.જો કે, ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા નાગજીભાઈની શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ લાંબા સમય સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.દરમિયાન આજે બપોર બાદ ભીમપુરા ગામના તળાવમાં નાગજીભાઈની લાશ પાણીની સપાટી પર દેખાઈ આવતાં સ્થાનિક લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસે સ્થાનિક લોકોની મદદથી તળાવમાંથી લાશને બહાર કાઢી લાશનો કબજો મેળવ્યો હતો.પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવ અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.ભીમપુરા ગામમાં બનેલી આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.





