ભરૂચમાં મકતમપુર નજીક આવેલા નર્મદા બંગ્લોઝમાં થયેલી ઘરફોડ ચોરીનો ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ભેદ ઉકેલી સિકલીગર ગેંગના એક સાગરીતને ઝડપી પાડ્યો છે. ગત ૧૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ તસ્કરોએ મકાનના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ લોખંડની તિજોરી તોડીને સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ.૧,૮૨,૫૪૮ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

જેના આધારે LCBની ટીમોએ તપાસ શરૂ કરી હતી. LCB PI એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ PSI એ.વી. શિયાળીયાની ટીમે ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજનું વિશ્લેષણ, ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી.તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં ભરૂચની સાબુગઢ ખાતેની ઝૂંપડપટ્ટીમાં રહેતા સતનામ સિકલીગરની સંડોવણી છે અને તે અમદાવાદના ખોખરા વિસ્તારમાં હાજર છે. આ બાતમીના આધારે PSI એ.વી. શિયાળીયાની ટીમે અમદાવાદમાં વોચ ગોઠવી સતનામ ચંદાસિંગ સિકલીગરને ઝડપી પાડ્યો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ ૧૩ ઓક્ટોબરની રાત્રે લખનસિંગ બાવરી અને સંજુ વસાવા સાથે મળીને ભરૂચ શહેરમાં ચોરી કરવા નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. નર્મદા બંગ્લોઝમાં મકાનના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને લોખંડની તિજોરીમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસે આપેલ પ્રેસનોટમાં જણાવાયું છે.
પોલીસે આરોપી સતનામ સિકલીગરની અંગઝડતી દરમિયાન રૂ.૫,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન કબજે કર્યો છે. ત્યારબાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે વોન્ટેડ આરોપી લખનસિંગ બાવરી અને સંજુ વસાવાને ઝડપી પાડવા LCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





