નવરાત્રિ પર્વ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળી રહ્યા છે. રાજ્યના અલગ-અલગ સમાજો પોતાની આગવી પરંપરા, પહેરવેશ અને સાંસ્કૃતિક ઓળખ સાથે નવરાત્રિની ઉજવણી કરતા હોય છે. ત્યારે રાજકોટમાં આહીર સેના દ્વારા આયોજિત આહીર ગરબા મહોત્સવમાં પરંપરા, ભક્તિ અને આભૂષણોની ઝળહળાટનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. રાજકોટમાં આહીર સમાજના પરંપરાગત પોશાકમાં 15000 કરતા વધુ બહેનો 900 કિલો સોનાના ઘરેણાં પહેરી રાસ-ગરબા રમી હતી, જેના કારણે ગરબાનું મેદાન સોનાના ઘરેણાથી ચમકી ગયું હોય તેવું લાગી રહ્યું છે.
રાજકોટમાં નવા રિંગ રોડ પર આવેલા કોકોનેટ પાર્ટી પ્લોટ સામે આહીર સમાજનાં ભાઈઓ અને બહેનો માટે નવ દિવસ સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના પર્વને પરંપરાગત અને સાંસ્કૃતિક રીતે ઉજવવાના હેતુથી યોજાયેલા આ મહોત્સવને લઈને સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગઈકાલે સાતમા નોરતે આહીર સમાજની પરંપરા અનુસાર ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહીર સમાજની બહેનો અને ભાઈઓ પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને રાસની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા.
આહીરાણીઓના પરંપરાગત વસ્ત્રો, ઘરેણાં અને રાસ રમવાની આગવી શૈલી સમાજની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરે છે. નવરાત્રિ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સમાજની પરંપરા અને ઓળખને નવી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ પણ બની રહી છે. આહીર સમાજના બહેનો એકસાથે પરંપરાગત રાસ-ગરબામાં જોડાઈને સામૂહિક એકતા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરી રહ્યા છે. આ આયોજનમાં 15 હજાર આહીરાણીઓના ભવ્ય રાસ સાથે ભગવાન શ્રી દ્વારકાધીશની મહાઆરતીનું આયોજન આકર્ષણ બન્યું હતું. ભક્તિભાવ અને પરંપરાના આ સંગમથી નવરાત્રિની ઉજવણીને વિશેષ ઓળખ મળી હતી.





